સાબરકાંઠા: જિલ્લામાં અનોખી નવરાત્રિ કે જ્યાં 9 દિવસ આસો નવરાત્રિના પાવન ભક્તિ ઉત્સવમાં ઇડર તાલુકાના શેરપૂર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ સ્થાનિક મહિલાઓ દ્વારા અનોખી રીતે ગરબા રમતા હોય છે. આ ગામમાં ચાંદીના, તાંબાના, માટીના રંગબેરંગી ગરબાઓ અને મહિલાઓના ગુજરાતી સાડીના પહેરવેશ પ્રમાણે ગુજરાતી સંસ્કૃતિના દર્શન જોવા મળી રહ્યા છે. સાથો સાથ જ્યારે ગરબીના ચાચળ ચોકમાં ગરબા રમતા થાક લાગે તો પણ ગરબા જમીન પર નથી મૂકાતા આવી અનોખી નવરાત્રિ અહીં મનાવવામાં આવે છે. ઉપરાંત હર્ષ સંઘવી દ્વારા મોડી રાત્રી સુધી રમવા માટેનો સામે આપતા લોકોમાં ખુશી વ્યાપી છે.
રાત્રિના સમયે 9 વાગ્યા પછી આરતી કરવામાં નથી આવતી: સાબરકાંઠા જિલ્લાના ઈડરના શેરપુર ગામની અનોખી નવરાત્રિ કે જ્યાં આસો નોરતાના દસ દિવસ ગામની સ્ત્રીઓ માટે તાંબા, પિત્તળ, ચાંદી સહિત માટીના ગરબા નવ દિવસ અલગ અલગ શણગાર દ્વારા મઢાયેલા માથે ગરબા લઈ ગામની શેરીના ચાચર ચોકમાં ગાયકોના સુરીલા કંઠે ગરબે ઘૂમતી હોય છે. ગામની વચ્ચે આવેલા ચાચર ચોકમાં સૌપ્રથમ ગામના વૃદ્ધ વડીલો આ ગરબાની શરૂઆત કરતા હોય છે. તેની સાથોસાથ ગામની મહિલાઓ કે જે માથે શણગારેલા અલગ અલગ પ્રકારના ગરબા લઈ અંબાની આરાધનામાં ગરબે ઘૂમતી હોય છે. ચાચર ચોકમાં મહિલાઓ, વડીલો, પુરુષોની સાથોસાથ નાના બાળકો પણ આ ગરબાની લાઈનમાં જોડાતા હોય છે. જોકે રાત્રિના સમયે 9 વાગ્યા પછી આરતી કરવામાં નથી આવતી. અહીં સૌપ્રથમ ગરબાની રમઝટ જામતી હોય છે બાદમાં 11થી 11:30 વાગ્યાની વચ્ચે માતાજીની આરતીનો ચડાવો બોલવામાં આવતો હોય છે. બાદમાં સૌ લોકો સાથે મળી મા જગદંબાની આરાધનાની આરતીમાં જોડાતા હોય છે અને સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં જોવા મળતું હોય છે.
વ્રત અને ઉપવાસનું પણ ખૂબ મહત્વ રહેલું છે: આસો નવરાત્રિનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ રહેલું છે. ખાસ કરીને દેવીની સાધના કરવાવાળા સાધકો માટે આસો નવરાત્રિ ખૂબ મહત્વની માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન લોકો માતાજીના વિવિધ સ્વરૂપોનું પૂજન-અર્ચન કરે છે. આ ઉપરાંત ઘણો માઈભક્તો નવરાત્રિમાં ઉપવાસ-એકટાણા કરી મા શક્તિની આરાધના કરે છે. નવરાત્રિ દરમિયાન માતાજીના મંદિરોમાં વિશેષ પૂજા-આરતી, શણગાર, માતાજીના ગરબા સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાય છે. આ ઉપરાંત રાત્રીનાં સમયે ભકતો ચાચર ચોકમાં ગરબે ઘુમતા હોઈ છે. નવરાત્રિનું મહત્વ જેટલું માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધનાનું છે તેટલું જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનું પણ ખૂબ મહત્વ રહેલું છે. નવરાત્રિમાં ઉપવાસ દરેક લોકો પોતાની ભક્તિ, શક્તિ મુજબ કરે છે. કોઈ એક સમય જમીને તો કોઈ ફળાહાર કરીને આ નવલા નોરતામાં ઉપવાસ રાખતા હોઈ છે.
અંગાર શ્રી માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે: ઈડર તાલુકાના શેરપુર ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દેવીની આસ્થા સાથે જોડાયેલો આ ભક્તિનો મહિમા આજે પણ ગ્રામજનો સાચો પરચો માની રહ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે, ગામની સીમમાંથી પસાર થતી વાવ નદી કિનારે આવેલું અંગાર શ્રી માતાજીનું મંદિર અતિ પ્રાચીન છે. ચાલું વર્ષ દરમિયાન આ ગામની મહિલાઓ નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિર ખાતે વિવિધ માનતાઓ માનતી હોય છે. જે માનતાઓ પરિપૂર્ણ થાય ત્યારે નવ દિવસ સુધી આસો નવરાત્રિમાં માનેલી માનતાઓ મુજબ નવ દિવસ સુધી માથે અલગ અલગ તાંબા, ચાંદી અને માટીના આગળ અલગ કલરમાં શણગારેલા ગરબે લઈ આચર ચોકમાં ગરબે ઘૂમતા હોય છે.
ઘર સુધી ન પહોંચે ત્યાં સુધી જમીન પર નીચે મૂકતા નથી: ગામની મહિલાઓ તાંબા, ચાંદી સહિત માટીના ગરબા લઈ માતાજીના ચાચર ચોકમાં આવતા હોય છે. ખાસ કરીને ગામમાં એક અનોખી મહિમા અને પરંપરા રહેલી છે. જેમાં આજે પણ ગામની યુવતીઓ અને મહિલાઓ માનેલી માનતા મુજબ આસો નોરતામાં ઘરેથી નીકળે ત્યારે ગરબાને માથે લઈ ચાચર ચોકમાં આવતા હોય છે. જોકે ગરબાને પરત ઘર સુધી ન પહોંચે ત્યાં સુધી જમીન પર નીચે મૂકતા નથી આ એક ગામની અનોખી ખાસિયત છે. તેમાં નવ દિવસ સુધી સ્ત્રીઓ માનેલી માનતા મુજબ માથે ગરબા લઈ ચાચર ચોકમાં ગરબે ઘૂમતી હોય છે ત્યારે આસો નોરતાના છેલ્લાં નોરતે ગામના યુવાનો આ ગરબાને વળાવવા માટે નદી કિનારે આવેલ અગાસી માતાના મંદિરે જતા હોય છે.
તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી માતાજીના ઉપવાસ: નવરાત્રીના દિવસો અગાઉ ઘરતી પર ઘણી આફતો આવતી હોય છે. વરસાદને કારણે ચેપી રોગ ફાટી નીકળે અથવા તો મોંધવારી વધે, કોઈ જગ્યાએ અતિવૃષ્ટિ થાય તો કોઈ જગ્યાએ અનાવૃષ્ટિ. આ કુદરતી આફતો શ્રાવણ-ભાદરવો અને આસો મહિના દરમિયાન વધુ જોવા મળે છે. તેથી આ તમામ તકલીફોને દૂર કરવા માટે નવ દિવસ સુધી માતાજીના ઉપવાસ કરવામાં આવતો હોવાની પણ લોકવાયકા રહેલી છે. આસો નવરાત્રી દરમિયાન નવરાત્રી નિમિત્તે ભક્તો મન મૂકીને માતાજીના ચાચર ચોકમાં ગરમી ઘૂમતા હોય છે. ખાસ કરીને ગરબા રમવા આવતા ભક્તોમાં નવરાત્રીનો એક અલગ જ ઉત્સાહ જોવા મળતો હોય છે જેમ કે ખેલૈયાઓ રાત્રિના સમયે ટ્રેડિશનલ ડ્રેસ જેવા વિવિધ વેશ ધારણ કરી ગરબા રમવા માટે ગરબાઓમાં પહોંચતા હોય છે.
આ પણ વાંચો: