નવસારી: દોરી રાસ એ શ્રી કૃષ્ણ એ આપેલ અનમોલ દેન છે. વૃન્દાવનમાં કૃષ્ણ અને ગોપીઓ દોરી રાસના માધ્યમથી એકાકાર થઇ જતા હતા. આ દોરી રાસ દક્ષિણ ગુજરાતના નવસારી જીલ્લાના ગણદેવીમાં બાપ દાદાઓથી પ્રજાપતિ કુંભાર સમાજ રમી રહ્યો છે. લુપ્ત થવાના આરે આવેલો આ દોરી રાસને જીવંત રાખવા માટે આજના યુવાનો પણ આગળ આવ્યા છે. બાપદાદાથી ચાલતી આવેલી આ પરંપરા હજી સુધી એક પણ વાર તૂટી નથી. બાપદાદા પાસે મળેલી આ કળાને આજના યુવાનો એની આવનારી પેઢીને તૈયાર કરી રહ્યા છે. જેથી કરીને આવનારી પેઢી પણ આ પરંપરાને જાળવી રાખે સાથે જ ગણદેવીમાંથી પ્રેરણા લઈ બીલીમોરાના પ્રોફેશનલ ગરબામાં પણ યુવાનો ભાતીગળ પરિધાન સાથે દોરી રાસ રમી લોકો વચ્ચે આકર્ષણ જમાવી રહ્યા છે.
300 વર્ષોથી પણ પૌરાણિક: નવસારી જિલ્લાના ગણદેવી ટાઉનના કુંભારવાડમાં આવેલ 300 વર્ષોથી પણ પૌરાણિક સ્વયંભૂ હનુમાનજી મંદિરના પ્રાંગણમાં સવાસો વર્ષથી ભાતિગળ રીતે ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે પ્રાચીન ગરબા ગાઈને પ્રજાપતિ સમાજના લોકો પોતાની પરંપરાને જીવંત રાખવા મથામણ કરી રહ્યા છે. આ ગુજરાતનું એકમાત્ર એવું સ્થળ છે જ્યાં પવનપુત્ર હનુમાનજીના મંદિર બહાર શ્રદ્ધાપૂર્વક માતાજીના ગરબા ગવાય છે.
દોરી રાસ રમી રાધા ક્રુષ્ણને યાદ કરે છે: અંદાજે સવાસો વર્ષથી પ્રજાપતિ સમાજ દોરી રાસ રમી રાધા ક્રુષ્ણને યાદ કરે છે. નોરતાના નવ દિવસોમાં અહીં યુવાનો અચૂક દોરી રાસ રમે છે. આધુનિકતાનો રંગ લાગ્યો હોવા છતાં બાપ-દાદાઓના સમયથી ચાલી આવતી પરંપરાને પોતાની સંપત્તિ માની પ્રજાપતિ સમાજના લોકો પોતાની ભાવિ પેઢીને વારસા રૂપે દોરી રાસ શીખવે છે.
દોરીનું ગૂંથણ રચી આકર્ષક ડિઝાઇન બનાવે છે: આજે પણ નાનકડી આ શેરીમાં સામસામે બે કુંડાળા બનાવી યુવાનો દોરી રાસ રમે છે. કુંડાળાની વચ્ચે ઊભા કરેલા પોલ ઉપર દોરી બાંધી છે. સામ સામે ઊભેલા ખેલૈયાઓ ભાતીગળ અને પ્રાચીન ગરબાઓ ગવાતા હોય અને ઢોલની થાપ ઉપર હાથમાં દોરી રાખી એવી રીતે રાસ રમે છે કે, જેનાથી એક સરસ મજાનું દોરીનું ગૂંથણ રચી આકર્ષક ડિઝાઇન બનાવે છે. પ્રથમ ક્લોક પ્રમાણે રાસ રમી દોરીનું ગૂંથણ કરવામાં આવે છે અને જ્યારે એ જ પાર્ટનર સામે આવે ત્યારે એન્ટી ક્લોક પ્રમાણે ફરી દોરીનું ગૂંથણ છોડવામાં આવે છે. પરંતુ દોરી સાથે રમતા આ પ્રજાપતિ ખેલૈયાઓ એકાગ્ર થઈ કલાકો સુધી દોરી રાસ રમે છે. ચાલુ ગરબાએ કોઈ થાકી જાય, તો એવી રીતે બદલી કરવામાં આવે છે કે જેથી રાસ રમવામાં અને દોરીનું ગૂંથણ બનાવવામાં બાકીના સભ્યોને તકલીફ પડતી નથી. આ દોરી રાસની પરંપરા આ રીતે જળવાઈ રહે એ માટે પ્રજાપતિ સમાજ માતાજી સાથે હનુમાનજીના આશિર્વાદ મેળવી પ્રયાસ કરી રહ્યો છે.
પરંપરા નવી પેઢી જાણે, સમજે અને રમે: ગણદેવીના કુંભારવાડમાં રમાતા દોરી રાસ પરંપરાગત રીતે એક જ સ્થળે અને એક જ જ્ઞાતિ દ્વારા રમવામાં આવે છે. પરંતુ આ પૌરાણિક અને ભાતિગળ ગરબા અન્ય લોકો પણ શીખે અને રમે, જેથી આધુનિકતાની દોડમાં દોઢિયા અને વેસ્ટર્ન સ્ટાઈલ ગરબા પાછળ ઘેલા બનેલા આજના બાળકો અને યુવાનો ગરબાની સંસ્કૃતિને જાણી શકે અને સાચવી શકે એવા આશય સાથે બીલીમોરાના મીનલ પંચાલ પણ છેલ્લા 20 વર્ષથી મથામણ રહ્યા છે. દોઢિયા શીખવતા મીનલ અસ્સલ ગરબા અને તેની પરંપરા નવી પેઢી જાણે, સમજે અને રમે એવા ઉદ્દેશ્ય સાથે દોરી રાસ શીખવી રહ્યા છે.
અંદાજે 1:30 કલાક ચાલતો ગરબો: બીલીમોરાના કોમર્શિયલ ગરબા ઉત્સવમાં પાયલ અને તેમના 32 ખેલૈયાઓની ટીમ રંગબેરંગી દોરીઓ સાથે દોરી રાસ રમે છે. પારંપરિક પરિધાન સાથે, ગરબાના તાલ પર દોરી રાસ રમતા આ ખેલૈયાઓ અહીં આવનારા સૌને આકર્ષિત કરે છે. અંદાજે 1:30 કલાક ચાલતા ગરબામાં શરૂઆતમાં એકતા જાળવી, એકાગ્ર થઈ દોરીઓની સાથે રાસ રમી, આ ખેલૈયાઓ એક આકર્ષક ડિઝાઇન બનાવે છે અને બાદમાં ફરી આ ગૂંથણને છોડી દે છે. મીનલ વેસ્ટર્ન સ્ટાઇલ અને દોઢિયા સાથે યુવાનો પોતાની સાંસ્કૃતિક ધરોહર એવા ગરબાની જાળવણી કરતા થાય એ માટે સતત પ્રયત્નશીલ છે.
આધુનિકતાની દોડમાં યુવાનો આપણી સંસ્કૃતિ અને પરંપરાને છોડવામાં પાછા નથી પડતા, ત્યારે ગણદેવીના કુંભારવાડનો પ્રજાપતિ સમાજ તેમજ પાયલ જેવા યુવાનો સંસ્કૃતિના જતન માટે કરી રહેલ મથામણ કાબીલેદાદ છે.
આ પણ વાંચો: