કચ્છ: નવરાત્રિના નવલા નોરતા દરમિયાન કચ્છના રાજપરિવાર દ્વારા સદીઓથી અનેક પૂજા વિધિ યોજવામાં આવતી હોય છે. આ તમામ વિધિમાંથી સૌથી મહત્વની વિધિ આઠમના યોજાતી પત્રી વિધિ છે. જેની શરૂઆત પાંચમના દિવસથી ચામર પૂજા કરીને કરવામાં આવે છે. આજે આસો સુદ પાંચમમાં પરંપરાગત રીતે કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રિતીદેવીની સૂચના અનુસાર દેવપર ઠાકોર કૃતાર્થસિંહના હસ્તે ચામર પૂજા યોજવામાં આવી હતી.
ચામર પૂજાનો ઈતિહાસ: ચામર પૂજાના ઇતિહાસની વાત કરવામાં આવે તો આજથી અંદાજે 475 વર્ષ અગાઉ ભુજની સ્થાપના થઇ ત્યારે રાજપરિવારના દરબાર ગઢમાં ટિલામેડીમાં બનેલા મંદિરમાં દર વર્ષે નવરાત્રિના પાંચમના દિવસે ચામર પૂજા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી. રાજાશાહી સમયે કચ્છના મહારાવ પાંચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી મોરપંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ માટે ચામરયાત્રાનું પ્રસ્થાન કરતા હતા. જે પરંપરા આજે પણ કાયમ રાખવામાં આવી છે.
પાંચમના નીકળેલી ચામર યાત્રા સાતમના માતાના મઢ પહોંચે છે: કચ્છની કુળદેવીમાં આશાપુરાના સ્થાનક માતાનામઢ મંદિરે ભુજથી પહોંચવા 100 કિલોમીટરનું અંતર કાપતાં બળદ ગાડા કે રથને અગાઉ બે દિવસનો સમય લાગી જતો હતો. જેથી પાંચમના દિવસે નીકળેલી ચામર યાત્રા સાતમના દિવસે માતાના મઢ પહોંચતી અને ત્યાં ચાચરા ભવાનીના મંદિરમાં પૂજા કરી ત્યારબાદ આશાપુરા માતાજીના મંદિરે આઠમના દિવસે પત્રી વિધિ કરવામાં આવતી હતી.
![આસો સુદ પાંચમના દિવસે રાજપરિવાર દ્વારા થાય છે ચામરપૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/gj-kutch-01-chamar-pooja-video-story-7209751_08102024121642_0810f_1728370002_631.jpeg)
દેવપર ઠાકોર કૃતાર્થસિંહના હસ્તે આ ચામર પૂજા: આજે રાજાશાહી પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ સદીઓથી ચાલી આવતી આ પરંપરા આજે પણ રાજવી પરિવારના મોભી તરીકે સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પરિવાર આ પરંપરા યથાવત રાખી છે. મહારાવના અવસાન બાદ તેમના પત્ની મહારાણી પ્રીતિદેવીએ ચામર પૂજા કરી હતી અને માતાના મઢ ખાતે પત્રી વિધિ પણ કરી હતી. પરિણામે એક ઐતિહાસિક ઘટના કહી શકાય તેમ ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલાના હસ્તે આ વિધિ કરવામાં આવી હતી. જોકે આ વર્ષે મહારાણી પ્રિતીદેવીની સૂચના અનુસાર દેવપર ઠાકોર કૃતાર્થસિંહના હસ્તે આ ચામર પૂજા કરવામાં આવી હતી.
![આસો સુદ પાંચમના દિવસે રાજપરિવાર દ્વારા થાય છે ચામરપૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/gj-kutch-01-chamar-pooja-video-story-7209751_08102024121642_0810f_1728370002_435.jpeg)
રાજપરિવારના સભ્યો જોડાયા: ભુજના દરબારગઢ ખાતેના ટીલામેડીમાં આવેલ મહામાયા મંદિર ખાતે રાજપરિવારના સભ્યો સાથે મળીને આ ચામર પૂજા કરવામાં આવી હતી. ત્યારબાદ દેવપર ઠાકોર કૃતાર્થસિંહ દ્વારા માતાના મઢ સુધી ચામર યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ ચામર પૂજા દરમિયાન મહારાણી પ્રિતીદેવી, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, કુંવર મયુરધ્વજસિંહ જાડેજા, આરતીબા, હર્ષાદિત્યસિંહ જાડેજા, ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવે, ઇતિહાસકાર દલપત દાણીધારીયા, ઇતિહાસકાર પ્રમોદ જેઠી વગેરે જોડાયા હતા.
![આસો સુદ પાંચમના દિવસે રાજપરિવાર દ્વારા થાય છે ચામરપૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/gj-kutch-01-chamar-pooja-video-story-7209751_08102024121642_0810f_1728370002_430.jpeg)
કચ્છની સુખાકારી માટે માતાજી પાસે આશીર્વાદ: ઉલ્લેખનીય છે કે, દર વર્ષે રાજપરિવારના પરંપરા મુજબની આ વિધિઓ યોજવા મુદ્દે રાજપરિવારના બન્ને પક્ષોમાં જ મતભેદ ઊભા થતા હોય છે. પ્રાગમલજી ત્રીજાના સગાભાઈ હનુમંતસિંહ જાડેજાએ પણ રાજપરિવારની તમામ વિધિ પર પોતાનો અધિકાર હોવાનો દાવો કરતા હોય છે. આજે પણ બન્ને પરિવાર દ્વારા ચામર પૂજા કરવામાં આવી હતી. ચામર પૂજા એ પત્રી વિધિનો જ એક ભાગ છે અને રાજપરિવારના જે વ્યક્તિ ચામર પૂજા કરે છે તે જ અંતે પત્રી વિધિ કરી કચ્છની સુખાકારી માટે માતાજી પાસે આશીર્વાદ માંગે છે.
![આસો સુદ પાંચમના દિવસે રાજપરિવાર દ્વારા થાય છે ચામરપૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/gj-kutch-01-chamar-pooja-video-story-7209751_08102024121642_0810f_1728370002_967.jpeg)
![આસો સુદ પાંચમના દિવસે રાજપરિવાર દ્વારા થાય છે ચામરપૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/gj-kutch-01-chamar-pooja-video-story-7209751_08102024121642_0810f_1728370002_1096.jpeg)
કચ્છના રાજપરિવારના એક જ મહામાયા: ભુજના દરબારગઢ ખાતે આવેલ ટીલામેડી ખાતેના મહામાયા મંદિર કે જે કચ્છના રાજપરિવાર દ્વારા માનવામાં આવે છે ત્યાંથી પત્રી ચામર પૂજાની શરૂઆત થાય છે. આજે ચામર પૂજા કર્યા બાદ માતાના મઢ પર ચામર યાત્રાએ જાય છે અને સાતમની રાત્રે આ યાત્રા માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પહોંચશે અને આઠમના રોજ માતાના મઢ ખાતે પત્રી વિધિ યોજાશે.
નિર્વિઘ્ને નવરાત્રીના અનુષ્ઠાન પૂર્ણ કરવા ક્ષમા પ્રાર્થના: ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દન દવેએ જણાવ્યું હતું કે, નવરાત્રિની પરંપરા મુજબ ટીલામેડી ખાતે ચામર પૂજા કરીને મહામાયા માતાના આશીર્વાદ લઈને ચામર યાત્રા શરૂ કરવામાં આવે છે. પાંચમના દિવસે આ પરંપરા એટલે રાખવામાં આવે છે કારણ કે, અગાઉ આ યાત્રા રથમાં નીકળતી ત્યારે 2 દિવસે માતાના મઢે રથ પહોંચતું અને આજે પણ આ પ્રથા યથાવત રાખવામાં આવી છે. ચામર પૂજા મારફતે માતાજી પાસે ક્ષમા પ્રાર્થના કરવામાં આવે છે કે નિર્વિઘ્ને નવરાત્રિના અનુષ્ઠાન પૂર્ણ થાય.
![આસો સુદ પાંચમના દિવસે રાજપરિવાર દ્વારા થાય છે ચામરપૂજા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-10-2024/gj-kutch-01-chamar-pooja-video-story-7209751_08102024121642_0810f_1728370002_648.jpeg)
મોરપીંછમાંથી બનેલી ચામરની પૂજા: ઇતિહાસકાર દલપત દાણીધારીયાએ જણાવ્યું હતું કે, રાજપરિવારની પરંપરા મુજબ તેમની માતાઓની પૂજા કરવામાં આવે છે. મહારાવ પોતાને માતાજીના પ્રથમ સેવક માનવામાં આવતા હોવાથી તે મુજબ મોરપીંછમાંથી બનેલી ચામરની પૂજા કરવામાં આવે છે. રાજપરિવારના સભ્યો દ્વારા આજે પણ આ પરંપરા જાળવી રાખવામાં આવી છે.
આ પણ વાંચો: