કચ્છ: નવરાત્રીમાં અનેક વસ્તુઓ સાથે સંકળાયેલા લોકોને રોજગારી મળતી હોય છે ત્યારે નવરાત્રિની એક ઉત્તમ અને જરૂરી ઓર્નામેંટ્સ છે દાંડિયા. એક જમાનામાં લાકડાના દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ જ જામતી હતી જોકે હવે ધીરે ધીરે લાકડાના દાંડિયા આઉટ ઓફ ફેશન થવા માંડ્યા છે.
એક સમયે લાકડાના દાંડિયાને લઈને નવરાત્રિ ખૂબ પ્રચલિત હતી અને આ લાકડાના દાંડિયાની ખુબ માંગ હતી, પરંતુ આજે ગરબાના અવનવા સ્ટેપ્સ, ફ્રી સ્ટાઈલ ગરબા અને અન્ય ફેન્સી દાંડિયાના કારણે લાકડાંના દાંડિયાનો ક્રેઝ ઓછો થતો જાય છે.
જનરેશન બદલાતા ટ્રેન્ડ ઓછો થતો જઇ રહ્યો છે: વેપારીઓના જણાવ્યા મુજબ યુવતીઓને મોટે ભાગે લાકડાના, ચણિયાચોળી સાથે મેચ કરે તેવા અને વર્ક કરેલા દાંડિયા વધારે પસંદ આવે છે. તો વળી યુવકો પણ બેરિંગવાળા તેમજ લાઈટવાળા દાંડિયા લેવાનું પસંદ કરે છે. અગાઉ મિત્ર મંડળો કે જે ગરબીનું આયોજન કરતા હોય છે તેઓ માત્ર લાકડાના દાંડિયા પર જ રાસ રમવાનું પસંદ કરતા હતા જે હવે જનરેશન બદલાતા તેનો ટ્રેન્ડ ઓછો થતો જઇ રહ્યો છે.
પ્રાચીન ગરબીઓમાં આજે પણ લાકડાંના દાંડિયાનો રાસ: માતાજીની આરાધનાનું પર્વ એટલે કે નવરાત્રિ. નવરાત્રિના પાવન 9 દિવસોમાં ગુજરાતીઓ રાસની રમઝટ બોલાવે છે. નવરાત્રિ પહેલા અને નવરાત્રિના નવ દિવસ દરમિયાન ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. શહેરો તેમજ ગામડાઓમાં પ્રાચીન અને અર્વાચીન ગરબીનું આયોજન પણ કરવામાં આવતું હોય છે. જેમાં પ્રાચીન ગરબીઓમાં આજે પણ રાસોત્સવમાં યુવક-યુવતીઓ લાકડાંના દાંડીયા રાસની રમઝટ બોલાવતા હોય છે. સામાન્ય રીતે રાસની વાત કરતા હોઈએ તે સમયે હાથતાળીનો રાસ હોય છે અને લાકડાના દાંડિયાનો રાસ પણ હોય છે.
5 રૂપિયે જોડી બાવળના લાકડાના દાંડિયા: લાકડાના આ દાંડિયા બાવળની ડાળખીઓમાંથી બનાવવામાં આવે છે. આ લાકડાંના દાંડિયા બાંધામાં 50 જોડી દાંડિયા એટલે કે 100 નંગ લાકડાના દાંડિયા મળે છે જેમાં 1 જોડી દાંડીયાની કિંમત 5 રૂપિયા છે. જે થોડાક વર્ષો પહેલા 2 રૂપિયે જોડી પણ મળતા હતા. આ લાકડાંના દાંડિયા રમવાનો ક્રેઝ એક સમયમાં અનેરો હતો. લોકો માત્ર આ લાકડાના દાંડીયાની ખરીદી કરવા કચ્છના ગામડે ગામડેથી આવતા હતા. આ લાકડાંના દાંડિયાનો તાલ પણ અન્ય ફેન્સી અને સ્ટીલના દાંડીયા કરતા તદ્દન જુદો હોય છે. ખાસ કરીને આ દાંડીયાને ગમે તે સ્થળે એકબીજા સાથે વગાડો એટલે સમાન જ અવાજ આવે છે.
લાકડાના દાંડિયાની માંગ ઘટી: મોહબ્બત સ્ટોરમાં વેપારી મોહમદ ખોજાએ જણાવ્યું હતું કે, આમ તો છેલ્લાં 25 વર્ષોથી તેઓ સીઝનેબલ વસ્તુઓનો ધંધો કરે છે અને છેલ્લા 20 વર્ષોથી તેઓ દાંડીયાનું પણ વેંચાણ કરી રહ્યા છે. ખાસ કરીને નવરાત્રિ સમયે જે ખરીદી માટે ઘરાકી જોવા મળતી હોય છે તે બજારમાં જોવા નથી મળી રહી. દાંડીયા રાસ માટે અનેક પ્રકારના દાંડીયા જોવા મળી રહ્યા છે. જેમાં લાકડાના, સ્ટીલના, બેરીંગવાળા અને લાઇટવાળા દાંડિયા બજારમાં ઉપલબ્ધ છે. હાલમાં સોશિયલ મીડિયામાં ફ્રી સ્ટાઈલ ગરબાનો સમય આવી ગયો છે ત્યારે લાકડાના દાંડિયાની માંગ ઘટી ગઈ છે.
લાકડાંના દાંડીયાને ફરીથી ટ્રેન્ડમાં લાવવા અપીલ: અન્ય વેપારી પૂજા ખોજાએ જણાવ્યું હતું કે, બજારમાં નવરાત્રિ પૂર્વે દાંડીયાનું આગમન તો થયું છે પરંતુ હાલમાં લાકડાંના દાંડિયાનો ક્રેઝ અગાઉ હતો એવો હવે નથી રહ્યો. લોકો ફેન્સી દાંડિયાની ખરીદી કરી રહ્યા છે. આ દરમિયાન જૂની પરંપરા પ્રમાણે લાકડાંના દાંડીયાને ફરીથી ટ્રેન્ડમાં લાવવા પણ વેપારીઓ અપીલ કરી રહ્યા છે. હાલમાં સમય અને જનરેશન બદલતા તહેવારોની ઉજવણીના રંગ પણ બદલાયા છે. એક સમયમાં નવરાત્રિમાં માત્ર લાકડાના દાંડિયા પર લોકો રાસ રમતા હતા. ત્યારે યંગ જનરેશન પણ આ લાકડાના દાંડીયા પર રાસ રમી જોય તો તેમણે જણાય કે આ અન્ય ફ્રી સ્ટાઈલ ગરબા કરતા ખૂબ આનંદદાયક છે.
આ પણ વાંચો: