જૂનાગઢ: નવરાત્રિને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી છે. તેમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી નવરાત્રિમાં નવા પરિધાનો ખરીદવાને લઈને એક અલગ ક્રેઝ જોવા મળતો હતો, પરંતુ આ વર્ષે છેલ્લા પાંચ સાત વર્ષની સરખામણીએ ભાડા પર મળતા અને નવરાત્રીના દસે દસ દિવસ પહેરી શકાય તેવા અવનવા કલરફુલ પરિધાનો તરફ યુવાન ખેલૈયા વળ્યા છે.
નવરાત્રિના ડ્રેસની પસંદગી: ખેલૈયાઓ અને ખાસ કરીને યુવાન વર્ગના ખેલૈયાઓ નવરાત્રિના દસ દિવસ સુધી અલગ અલગ થીમ પર ગરબા કરવા માટે જાણે કે થનગની રહ્યા હોય તે પ્રકારનો માહોલ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે. દસ દિવસ સુધી અલગ પ્રકારે અલગ-અલગ વેશ પરિધાન થકી ગરબા ને ચાર ચાંદ લગાડી શકાય તે માટે ખેલૈયાઓ ખાસ નવરાત્રિના ડ્રેસની પસંદગી કરવાને લઈને ઉત્સુક જોવા મળી રહ્યા છે.
એક ડ્રેસની કિંમતમાં 10 જેટલા અવનવા કલરફૂલ ડ્રેસ: આજના સમયે ખેલૈયાઓ નવા ડ્રેસ ખરીદવાની જગ્યા પર એક ડ્રેસની કિંમતમાં 10 જેટલા અવનવા કલરફૂલ ડ્રેસ મેળવી શકાય તે માટે ભાડે મળતા ડ્રેસ પર હવે ધીમે ધીમે નિર્ભર બની રહ્યા છે જે તેમના ખિસ્સા ખર્ચને બચાવવાની સાથે દસ દિવસ સુધી એક અલગ ટ્રેન્ડ નવરાત્રી ના ગરબા દરમિયાન પૂરો પાડે છે જેને કારણે યુવાન ખેલૈયાઓ ભાડા પર મળતા ડ્રેસ પર વધુ કેન્દ્રિત થઈ રહ્યા છે
50 રૂપિયાથી 1000 ના ભાડા પર અવનવા ડ્રેસ: હાલ જૂનાગઢની નવરાત્રીના દિવસો દરમિયાન ભાડાની બજારમાં 50થી લઈને એક હજાર રૂપિયા પ્રતિ દિવસ ભાડા પર નવરાત્રિમાં પહેરી શકાય તેવા અલગ અલગ પ્રકારના ડ્રેસ ભાડે મળી રહ્યા છે. જેમાં કેડિયા, ચણિયાચોળી, કળશ, ઈંઢોણી, કેપ અને હેટ કે જે ખાસ નવરાત્રી માટે તૈયાર કરાયા છે અને ખેલૈયાઓ આ ડ્રેસ પહેરવાથી પોતાની જાતને એક અલગ અંદાજમાં ગરબાના મેદાનમાં રજૂ કરી શકે છે.
ભાડાના ડ્રેસનું બુકિંગ: હાલ જૂનાગઢમાં ભાડાની બજારમાં પણ શનિવાર અને રવિવારના દિવસો દરમિયાન 10 થી લઈને 15 ટકા ભાડામાં પણ ડિસ્કાઉન્ટ આપીને નવરાત્રિ પૂર્વે અગાઉથી જ ભાડાના ડ્રેસનું બુકિંગ પણ થઈ રહ્યું છે. તો બીજી તરફ નાની નાની બાળકીઓ માટે કે જે શેરી ગરબામાં ભાગ લેતી હોય છે તેના માટે માત્ર 50 રુપિયા પ્રતિ દિવસના ભાડામાં પણ અવનવા પરિધાનો મળી રહ્યા છે.
આ પણ વાંચો: