નવસારી: નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે નવસારીની અંબિકા નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અને અંબિકાના કાંઠાના બીલીમોરા શહેરના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરના દેસરા વાડિયા શીપયાર્ડ દેગામ વાળાની ચાલ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવા માંડ્યા છે. દેગામવાળા ચાલમાં 10 ઘરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. અને લોકોએ પોતાનો સામાન બચાવવાના પ્રયાસો હાથ ભર્યા છે. ત્યારે ઉપરવાસમાં આ જ રીતે વરસાદ વરસતો રહે તો બીલીમોરા પૂરની સ્થિતિનો સામનો કરે એવી સંભાવના દેખાઈ રહી છે.
તંત્રની કામગીરી નહિંવત: સ્થાનિક નંદલાલભાઈ જણાવે છે કે આજુબાજુના વિસ્તારોના અતિક્રમણના કારણે વરસાદી પાણી આવ્યા બાદ ઉતરવાનું નામ નથી લેતા. તો બીજી તરફ ઉપરવાસમાં જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે તેથી હજુ પણ પૂરના પાણી વધવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. હાલ અમે છેલ્લા ચારથી પાંચ કલાકથી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે. પરંતુ વહીવટી તંત્ર કે પાલિકા દ્વારા અમારી કોઈ નોંધ લેવામાં આવી નથી કે અમને કોઈ પણ જાતના ફૂડ પેકેટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા નથી.
નવસારીમાં આજે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકના વરસાદી આંકડા
- નવસારીમાં 73 મિમી (3.04 ઈંચ)
- જલાલપોરમાં 49 મિમી (2.04 ઈંચ)
- ગણદેવીમાં 100 મિમી (4.16 ઈંચ)
- ચીખલીમાં 106 મિમી (4.41 ઈંચ)
- ખેરગામમાં 131 મિમી (5.45 ઈંચ)
- વાંસદામાં 184 મિમી (7.66 ઈંચ)