નવસારી: વાંસદા તાલુકાની જીવા દોરી સમાન જૂજ ડેમ ઓવર ફ્લો થતાં ધરતીપુત્રોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે, તો બીજી તરફ ડેમ ઓવરફ્લો થવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. પર્વતો અને જંગલોની વચ્ચે બનાવવામાં આવેલ જૂજ ડેમના નયન રમ્યા દ્રશ્યો ખૂબ રમણીય લાગી રહ્યા છે. જે ડ્રોન કેમેરામાં કેદ થયા હતા, જેના અહલાદક દ્રશ્યો જોતા જાણે આંખોને ટાઢક થાય તેવા પ્રકારનું વાતાવરણ સર્જાયું છે. એક તરફ પ્રકૃતિએ લીલી ચાદર ઓઢી છે અને વચ્ચે છલોછલ ભરેલો જૂજ ડેમ ખૂબ આહલાદક લાગી રહ્યો છે.
ડેમમાં 28.55 એમસીએમ પાણીનો સંગ્રહ થયો: દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જેને પગલે અનેક નદી નાળાઓ અને જળાશયો છલકાયા છે, ત્યારે નવસારી જિલ્લામાં વાંસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ પણ ઓવર ફ્લો થયો છે જેની સપાટી 167.50 મીટર પહોંચી છે. ડેમમાં 28.55 એમસીએમ પાણીનો સંગ્રહ થયો છે. જૂજ ડેમ ઓવરફ્લો થવાના કારણે આસપાસના અંદાજિત 17 ગામોના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે કારણ કે, પોતાના પાકો માટે તેઓને સીધો સિંચાઈનો લાભ મળશે. તો બીજી તરફ અંદાજિત 20 થી વધુ ગામોને જૂજ ડેમનું પાણી પીવા માટે પાણી પુરવઠા વિભાગના માધ્યમથી મળશે.
21 ગામોને સિંચાઈનો લાભ: વાસદા તાલુકામાં આવેલો જૂજ ડેમ ખેડૂતો માટે જીવા દોરી સમાન છે જેથી જૂજ ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 21 ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. પાણીને લઈને ખેડૂતો હંમેશા ચિંતિત રહેતા હોય છે, પરંતુ આ વર્ષે વરસેલા સારા વરસાદના કારણે જૂજ ડેમ સંપૂર્ણ પાણીથી ભરાઈ ગયો હોવાથી ખેડૂતો માટે આનંદના સમાચાર છે.