સુરત : એક કરોડની કિંમતનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મંગાવનાર માસ્ટરમાઈન્ડની સુરત પોલીસે ઉત્તરપ્રદેશથી ધરપકડ કરી છે. આ કેસના મુખ્ય આરોપી સાથે પોલીસે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી મુંબઈથી ડ્રગ લાવતો અને પોતાના પેડલરો મારફતે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતો હતો. સુરત પોલીસે વેશ પલટો કરી કેવી રીતે આ ખાસ ઓપરેશન પાર પાડ્યું જાણો...
ડ્રગ કાર્ટેલનો માસ્ટરમાઈન્ડ : ગત 29 એપ્રિલના રોજ સુરત પોલીસને જાણ થઈ હતી કે ડ્રગ્સ પેડલર ડ્રગ્સની હેરાફેરી કરવાના છે. પોલીસે રેડ કરી પરંતુ આરોપીઓ પોલીસને થાપ આપી નાસી ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચને એક કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું. પરંતુ આરોપીઓ ત્યાંથી નાસી જતાં પોલીસે દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ માટે સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ડ્રગ પ્રકરણનો મુખ્ય આરોપી મોહમ્મદ કાશીફ શેખ સતત ભાગતો રહ્યો.
સુરત પોલીસનું ખાસ ઓપરેશન : સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ આરોપીનો પીછો કરી મુંબઈ પહોંચી, પરંતુ આરોપી ત્યાંથી નીકળી ઉત્તર પ્રદેશના ઉન્નાવ ભાગી ગયો હતો. ઉન્નાવ પછી તે બારાબંકી જિલ્લામાં દેવા શરીફ નાસી ગયો હતો. જોકે, આરોપી ત્યાંથી પણ ફરાર થાય તે પહેલા આરોપી મોહમ્મદ કાશીફ શેખની S.O.G પોલીસે ધરપકડ કરી હતી. સુરત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના ચાર પોલીસકર્મીઓએ વેશ પલટો કરી સંવેદનશીલ ગણાતા ઉન્નાવ વિસ્તારમાં ઓપરેશન પાર પાડ્યું હતું.
"ડ્રગ્સ એક રોગ છે જે નાબૂદ કરવા માટે અમારી તમામ એજન્સી કાર્યરત છે. સુરત પોલીસ મુંબઈ અને સુરત વચ્ચે ચાલી રહેલ ડ્રગ્સ ચેઇન તોડવા પ્રયાસ કરી રહી છે." -- રાઘવેન્દ્ર વત્સ (JCP, સુરત ક્રાઈમ બ્રાન્ચ)
નેશનલ ડ્રગ કાર્ટેલ : આરોપીની પૂછપરછ કરતા તેણે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી પોતાના માણસો મારફતે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. બાદમાં તે ડ્રગનું છૂટક વેચાણ કરતો હતો. આરોપી કાશીફ મુંબઈ ખાતે રહેતા ડ્રગ્સ સપ્લાયર આસિફ પાસેથી ડ્રગ્સનો જથ્થાબંધ ઓર્ડર આપતો હતો અને ડ્રગ્સ લેવા માટે સુરતના ફૈયાઝ અલી અને શાહિદ તથા વોન્ટેડ આરોપી શાહબાઝને મુંબઈ મોકલતા હતા. મુંબઈ જઈ ડ્રગ સપ્લાયરના ઇમરાન પાસેથી તેઓ ડ્રગ્સની ડીલેવરી લઈને સુરત આવતા હતા. આરોપીને એક ટ્રીપ માટે 15 થી 20 હજાર રૂપિયા આપવામાં આવતા હતા. આરોપી કાશીફ સુરતના રિટેલર મનસુર ઉસ્માનને તેમજ અન્ય રિટેલરોને આ ડ્રગ્સ વેચતો હતો.
છ આરોપીને દબોચ્યા : આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સે જણાવ્યું કે, સુરતથી નાસી ગયેલ આરોપી મોહમ્મદ ડ્રગ્સનો મુખ્ય સપ્લાયર છે. અમે વધુ પાંચ લોકોની ધરપકડ કરી છે. જેમાંથી બે આરોપીઓ સુરતના છે, જે ડ્રગ સપ્લાય કરે છે. અન્ય બે આરોપીઓ મૂળ મુંબઈના છે, આ લોકોને ડ્રગ્સ પહોંચાડતા અને એક અન્ય આરોપી ડ્રગ્સ સપ્લાય કરતો હતો. આ સમગ્ર મામલે અમે છ લોકોની ધરપકડ કરી છે. જેમાં આસિફ, ઇમરાન, ફૈઝલ, સાહિદ સામેલ છે.