નર્મદા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી તરીકેની શપથ લીધે 23 વર્ષ પૂર્ણ થયા છે. પરિણામે રાજ્યમાં આ 23 વર્ષને વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં આવી રહ્યો હતો. જેમાં 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર વિકાસ સપ્તાહ તરીકે ઉજવવામાં કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ વિકાસ સપ્તાહમાં અલગ અલગ જગ્યાઓ પર વિકાસના કર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તઓ પણ કરવામાં આવ્યા હતા.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પદયાત્રાનું આયોજન: 15 ઓક્ટોબરના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી પદયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લાના લોકો, સરકારી વિભાગના કર્મચારીઓ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળના કર્મચારીઓ પણ આ પદયાત્રામાં જોડાયા હતા. 3000 થી પણ વધુ લોકો આ પદયાત્રાનો ભાગ બન્યા હતા.
ગુજરાત એક રોલ મોડલ રાજ્ય: 23 વર્ષની વિકાસ સફરની ઉજવણીના ભાગરૂપે વિકાસ પદયાત્રા આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજવામાં આવી હતી. વડાપ્રધાને ગુજરાતમાંથી વિકાસ ગાથાની શરૂઆત કરતા આર્થિક, સામાજિક, શૈક્ષણિક ક્ષેત્રે સૌનો વિકાસ કરવાના પ્રયત્નો કર્યા છે. અહીંના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને ગરીબો-વંચિતો દરેકને માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તૈયાર કરીને ગુજરાતને એક રોલ મોડલ રાજ્ય તરીકે દેશમાં પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો કર્યા છે.
લોકોએ સ્વયંભૂ જોડાઈને યાત્રાને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો: આમ આ ઉજવણીના ભાગરૂપે વિકાસની આ પદયાત્રામાં નર્મદા મૈયાના પવિત્ર સ્થાને સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરીને લોકોએ પદયાત્રાની શરૂઆત કરી હતી. લોકોએ સ્વયંભૂ જોડાઈને આ યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ અપાવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરની આજુબાજુના વિસ્તારના અનેક લોકો આ પદયાત્રામાં જોડાયા છે. આ વિકાસની ગાથામાં બધા જ સહભાગી બન્યા છે. અખંડ ભારતના શિલ્પીની પ્રતિમાના દર્શન કરીને આજે સૌ કોઈ ધન્ય થયા છે.
નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખએ આ મુદ્દે વાત કરતાં જણાવ્યું કે, 'ખૂબ જ આનંદ સાથે કહેવાનું મન થાય કે, અહીંયા એકતાનગરમાં રોજગારની નવી તકો ખૂલી છે. વિશ્વ ફલક ઉપર આજે ટુરીઝમના ક્ષેત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખૂબ જ ઊંચું સ્થાન પામી ચૂક્યું છે. સ્થાનિકોને રોજગારી મળતાં લોકો ખૂબ જ ખુશ ખુશાલ અને આનંદિત છે. ગુજરાતની આ વિકાસ ગાથામાં સૌ અધિકારી-પદાધિકારી સાથે જોડાયા છે.'
આ પણ વાંચો: