જૂનાગઢ: આવતા સોમવારથી પવિત્ર શ્રાવણમાં શરૂ થઈ રહ્યો છે. ત્યારે શ્રાવણ માસ પૂર્વે જ સમુદ્ર સ્નાન માટે ગયેલા નંદી મહારાજ અચાનક દરિયાના મોજામા ફસાતા નંદી મહારાજનો જીવ ખતરામાં મુકાયો હતો. માંગરોળ બંદર પર દરિયા કિનારા પર ચાલી રહેલા નંદી અચાનક દરિયાના ઊંડા પાણીમાં સ્નાન માટે ગયા હશે. ત્યાં આવેલું દરિયાનુ મોટું મોજુ નંદીને 200 મીટર કરતાં વધુ દરીયાના પાણીની અંદર ખેંચી ગયું હતું. દરિયાના પાણીમાં નંદી મહારાજ તણાતા જોઈને દરિયા કિનારે બેઠેલા માછીમારોએ સમગ્ર ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈને દરિયાના પાણીમાં તણાઈ રહેલા નંદીને બચાવવા માટેના પ્રયાસો શરૂ કર્યા હતા.
બે કલાકની જહમત બાદ જીવ બચ્યો: દરિયાના ઊંડા પાણીમાં ખેંચાઈ રહેલા નંદીને બચાવવા માટે દરિયાકાંઠે બેઠેલા માછીમાર યુવાનો દ્વારા યુદ્ધના ધોરણે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. પ્રત્યેક માછીમાર પરિવારો અને બોટમાં રહેલા તરાપા મારફતે નંદીને બચાવવાનું ઓપરેશન શરૂ થયું. બે યુવાનો દ્વારા દરિયાના મોજાની વચ્ચે તરાપો નાખીને નંદીને સફળતાપૂર્વક બાંધીને દરિયા કિનારા પર ખેંચી લાવવામાં સફળતા મળી હતી. બે કલાક જેટલી ભારે જહેમત બાદ નંદી મહારાજના જીવમાં જીવ આવ્યો હતો અને દરિયાના ઘુઘવતા પાણીની બહાર પોતાની જાતને જોતા ધીરે ધીરે દરિયાથી દૂર થતા નંદી મહારાજ જોવા મળ્યા હતા.
માછીમાર અગ્રણીએ આપી વિગતો: માંગરોળના સ્થાનિક માછીમાર રમેશભાઈ ખોરાવાએ ઈટીવી ભારતને ટેલીફોનિક વિગતો આપતા જણાવ્યું હતું કે, દરિયા કિનારા પર ચાલી રહેલો નંદી અચાનક દરિયાના મોજામાં ફસાયો અને તે દરિયાના ઊંડા પાણીમાં તણાઈ રહ્યો હતો. ત્યારે અહીં બેઠેલા માછીમાર પરિવારના યુવાનોને નંદીના જીવ બચાવવાને લઈને દરિયાના મોજાની વચ્ચે તરાપો નાખીને નંદી મહારાજને સફળતાપૂર્વક દરિયાના મોજાની વચ્ચેથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. ચોમાસા દરમિયાન દરિયાકાંઠા વિસ્તારમાં ખાસ કરીને બંદર વિસ્તારમાં દરિયામાં કરંટ જોવા મળે છે. ત્યારે નંદી મહારાજ અચાનક સ્નાન કરવા પહોંચ્યા હતા, જ્યાં તેમનો જીવ ખતરામાં મુકાયો હતો. પરંતુ માછીમાર યુવાનોએ નંદી મહારાજનો જીવ બચાવીને તેને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો.