રાજકોટ: એપ્રિલ મહિનામાં રાજકોટના કુવાડવા પોલીસને એક વૃદ્ધ અમરશીભાઈ બેભાન હાલતમાં અવાવરું જગ્યાએથી મળી આવ્યા હતા. પોલીસ તેમને PCR વાનમાં લઇ ગયા હતા. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે કોઈ યોગ્ય કાર્યવાહી ન કરતા પરિવારજનો કોર્ટનાં દ્વાર પહોંચ્યા હતાં અને ન્યાયની માંગ કરી હતી. કોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ગુનો નોંધવા કહ્યું હતું. જેથી કુવાડવા પોલીસે અજાણ્યા શકસ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ રીતે ઘટના બની હતી: ઘટનાની મળતી માહિતી મુજબ અમરશીભાઈ 12 એપ્રિલે ગૌરીદડ ગામમાં યોજાયેલી ભાગવત સપ્તાહમાં ગાર્ડ તરીકે નોકરી માટે ગયા હતા. ત્યાં કોઈની સાથે માથાકૂટ થઈ હતી. ત્યાંથી કોઈએ પોલીસ કન્ટ્રોલરૂમને ફોન કર્યો અને PCR વાન આવી અમરશીભાઈને લઈ ગયા હતા. ત્યારબાદ ગૌરીદડ ગામ પાસે આવેલા પંપથી થોડે આગળ 'ઠાકરની વીડી' તરીકે ઓળખાતી જગ્યામાંથી તેઓ બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ત્યારબાદ વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 6 દિવસની સારવાર બાદ અમરશીભાઈનું મોત થયું હતું. તેમના પુત્ર આનંદ સાથે થયેલી વાતચીતમાં તેમણે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ મામલે પોલીસને લેખિત તથા મૌખિક જાણ કરવા છતાં કોઈ યોગ્ય તપાસ ન થતાં પરિવાર ન્યાયની માંગ સાથે હાઇકોર્ટમાં પહોંચ્યો હતા.
પોલીસ યોગ્ય કાર્યવાહી ન કરી: પુત્ર આનંદે જણાવ્યું હતું કે, "આ કેસમાં સિક્યોરિટી એજન્સી, સપ્તાહના આયોજકો અને પોલીસ તમામની પૂછપરછ અને તપાસ થવી જોઈએ. મારા પિતાને માર માર્યો છે એવું તેઓ સારવાર દરમિયાન કહેતા હતા. અમને ન્યાય જોઈએ છે. ન્યાય માટે પોલીસ સાંભળતી ન હોવાથી અમે હાઇકોર્ટ સુધી પહોંચ્યા હતા." વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ અંગે સિવિલ હોસ્પિટલની પોલીસચોકીમા ઘટનાની નોંધ પણ કરાવવામાં આવી હતી. જોકે પોલીસે અમરશીભાઈનું મોત કયા કારણસર થયું એ અંગે કોઈ તપાસ જ કરી ન હતી. પરિવારજનોને અમરશીભાઈની હત્યા થઈ હોવાની શંકા છે માટે પરિવારે હાઈકોર્ટમાં આ અંગે અરજી કરી હતી. કોર્ટના આદેશથી પોલીસે હત્યા કરનાર અજાણ્યા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.