નર્મદા : ભાજપમાંથી સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલા સાંસદ મનસુખ વસાવાએ લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. મનસુખ વસાવાએ દેવમોગરામાં સ્થિત કુળદેવી પંડોરી માતાને સમાજના ઉત્થાન માટે પ્રાર્થના કરી પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો.
લોકસભા ચૂંટણી પ્રચાર : સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે, પ્રચાર કરવા માટે છેલ્લા એક વર્ષથી પ્રયત્ન શરૂ કર્યો છે. અમારે ભાજપને જીતાડવાનું છે. મને ટિકિટ આપી છે એટલે ફરી મારી જીત નક્કી છે. કેમ કે અમે બુથ કેન્દ્ર અને શક્તિ કેન્દ્ર સુધી કામ કર્યું છે. સાતમી વખત પણ રમતા રમતા જીત મળવાની છે. માતાજી કુળદેવી છે, જે માંગો તે મળે છે અને એટલે જ રાષ્ટ્ના કલ્યાણ માટે પ્રાર્થના કરી છે.
આદિવાસીઓની કુળદેવી માઁ પાંડુરી : દેવમોગરામાં આવેલ માઁ પાંડુરી આદિવાસીઓની કુળદેવી ગણવામાં આવે છે. અહીં જે કોઈ સાચા મનથી માંગે એ મળી જાય છે. માઁ પાંડુરી સાંસદ મનસુખ વસાવાની પણ કુળદેવી છે. ત્યારે મનસુખ વસાવા દ્વારા પણ આદિવાસી રીતરિવાજ મુજબ માઁ પાંડુરીને ચઢાવો ચઢાવી લોકસભા ચૂંટણીનો પ્રચાર-પ્રસાર શરૂ કરવામાં આવ્યો છે.
ભરૂચ લોકસભા બેઠક : સાગબારા અને ડેડીયાપાડા ભરૂચ લોકસભા વિસ્તારમાં આવે છે. આ સીટ પર આદિવાસીઓના મતો નિર્ણાયક મત ગણવામાં આવે છે. જેને ભરૂચ લોકસભામાં આદિવાસીઓના મત મળે એ વિજેતા થાય છે. એટલે જ આ વિસ્તારમાં આદિવાસીઓની કુળદેવી મંદિરે કોઈ પણ ભરૂચ લોકસભાના ઉમેદવારે એકવાર દર્શન કરવા જવું જ પડે છે. આ વિસ્તારના લોકો સાંસદ મનસુખ વસાવાને ભાઈ તરીકે ઓળખે છે.