કચ્છ: ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.મોહન પટેલ તથા ગિવ વાચા સંસ્થાના ટ્રસ્ટી, ગીતકાર-સંગીતકાર, ગાયક, દિગ્દર્શક સહિતની બહુમુખી પ્રતિભા ધરાવતા ડો. કૃપેશ ઠક્કરે કોર્સની મંજૂરી સંબંધી મુલાકાત કરી હતી અને કુલપતિ ડો. મોહન પટેલ, રજિસ્ટ્રાર ડો. અનિલ ગોર તથા સંસ્થાના મોવડીઓની હાજરીમાં MOU કરવામાં આવ્યા હતા. કચ્છના વિદ્યાર્થીઓને સંગીત અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આગળ વધવા તાલીમ અને અભ્યાસ માટે કચ્છ બહાર જવું પડતું હોય છે, ત્યારે આ વિવિધ કોર્સ થકી યુવાપેઢીને ઘરઆંગણે જ સુવિધાઓ મળી રહેશે.
6 મહિનાથી 1 વર્ષ સુધીના કોર્સ: વર્ષ 2015થી કાર્યરત ગિવ વાચા ફાઉન્ડેશન સંચાલિત કૃપ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ મ્યુઝિક, કૃપ મ્યુઝિક થેરાપી ક્લિનિક એન્ડ રિસર્ચ સેન્ટર તથા કૃપ ગુરુકુલના 15થી પણ વધુ વિવિધ ક્ષેત્રના કૌશલ્યવર્ધક 6 માસથી 1 વર્ષની સુધીના ડિપ્લોમા અને સર્ટિફિકેટ કોર્સ વિદ્યાર્થીઓ માટે ચાલુ શૈક્ષણિક સત્રથી જ શરૂ કરવામાં આવશે.
સંગીત અને સ્વાસ્થ્યના કોર્સ: આ તમામ કોર્સને કૃપેશ ઠક્કર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યા છે. તેઓએ ગુજરાતી ફિલ્મ જગત અને બોલિવૂડમાં 10 વર્ષ કામ કર્યા બાદ માતૃભૂમિની સેવા કરવા અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ કોર્સ શરૂ કરી રહ્યા છે. સંગીત અને સ્વાસ્થ્યના કોર્સમાં ડો. કૃપેશ અને ડો. પૂજા ઠક્કર વિદ્યાર્થીઓને તાલીમ આપશે. આ ઉપરાંત ભગવદ્ ગીતાના જીવનલક્ષી કોર્સથી વિધાર્થીઓને તણાવમુક્ત જીવન જીવવાની તાલીમ પણ આપવામાં આવશે.
કચ્છી નૃત્ય, કળા અને સંગીતને આગળ લાવવા માટે કોર્સ: કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલે જણાવ્યું હતું કે, ગિવ વાચા ફાઉન્ડેશન જે અંજારનું NGO છે. તેની સાથે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીએ MOU કર્યા છે. આ વોકેશનલ કોર્સને ધ્યાનમાં રાખીને આ MOU કરવામાં આવ્યા છે. આ MOUનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છની અંદર જે મુખ્ય લોક કલાઓ, લોક નૃત્ય, લોક સંગીતને આગળ લાવવા માટેનો છે.
ભગવદ્ ગીતાના જીવનલક્ષી કોર્સ: આ ઉપરાંત ધર્મના ગ્રંથો આપણને કઈ રીતે ઉપદેશ આપે છે. ઉપદેશમાં જ્ઞાન, ધર્મ અને ભક્તિ જે ત્રણે ગીતા સાથે જોડાયેલા છે. આ ઉપદેશને આજે ઉજાગર કરવા માટેના આ સર્ટિફિકેટ અને ડિપ્લોમાં કોર્સ કચ્છ યુનિવર્સિટી અને ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા MOU કરીને શરૂ કરવામાં આવી રહ્યા છે.
ચાલુ શૈક્ષણિક વર્ષથી કોર્સ શરૂ: આ કોર્સ પૈકી કેટલાક કોર્સ જ્ઞાન, ધર્મ અને ભક્તિથી વ્યક્તિની વિશેષતાને ધ્યાનમાં રાખીને જે વિદ્યાર્થીઓને લાગતું હોય કે, કચ્છમાં અનેક ઔષધીય વનસ્પતિઓ છે. તેનો ઉપયોગ કરીને લોકોના રોગોને મટાડવા છે તો એ માટેના સ્વાસ્થ્ય સંબંધિત કોર્સ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે.આમ ગિવ વાચા સાથે 10 જેટલા જુદાં જુદાં વોકેશનલ કોર્સ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરવામાં આવી રહ્યા છે. જે પૈકી 5 જેટલા કોર્સ કચ્છ યુનિવર્સિટીના કેમ્પસ ખાતે ચલાવવામાં આવશે. 5 જેટલા કોર્સ ગિવ વાચા ફાઉન્ડેશન અંજારમાં ચલાવવામાં આવશે.
સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ: હાલમાં ટ્રેડિશનલ એજ્યુકેશનની સાથે સાથે આ પ્રકારના કોર્સનું મહત્વ પણ વધી રહ્યું છે. હાલમાં વિદ્યાર્થીઓ એક સાથે બે કોર્સ પણ કરી શકે છે. વિદ્યાર્થીઓ ભલે કોઈપણ વિભાગમાં અભ્યાસ કરતા હોય પરંતુ તેની સાથે આ 6 મહિનાથી 1 વર્ષ સુધીનો વોકેશનલ સર્ટિફિકેટ અને ડિપ્લોમા કોર્સ કરી શકે છે.
40 ટકા થીયરી 60 ટકા પ્રેક્ટીકલ: આ ઉપરાંત હાલમાં શોર્ટ ફિલ્મનો ટ્રેન્ડ પણ વધારે ચાલી રહ્યો છે, તેમજ ગુજરાતી ફિલ્મોનું મહત્વ પણ વધતું જાય છે. ત્યારે જે વિદ્યાર્થી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તો ગિવ વાચા ફાઉન્ડેશનના કૃપેશ ઠક્કરનો સંપર્ક કરી શકે છે. આ તમામ વોકેશનલ કોર્સમાં 40 ટકા થીયરી રહેશે અને 60 ટકા જેટલું પ્રેક્ટીકલ અભ્યાસ રહેશે. અભ્યાસની સાથે સાથે કંઈ રીતે અભિનય કરી શકાય અને શોર્ટ ફિલ્મ દ્વારા આપણે આપણા પ્રદેશને દેશ અને દુનિયા સમક્ષ મુકીશું.