મહેસાણા: વિસનગર કોંગ્રેસમાં 15 દિવસમાં ત્રીજી વાર ગાબડું પડ્યું છે. તરભ, વિસનગર અને હવે કાંસા એન એ વિસ્તારમાં ભાજપનો ભરતી મેળો યોજાયો હતો. જેમાં કોંગ્રેસના આગેવાનો સહિત 700થી વધુ કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ વિસનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કોંગી આગેવાનો અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો.
મહેસાણા વિસનગરમાં ભાજપના ભરતી મેળામાં પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઇ પટેલે આક્ષેપો કર્યા હતા કે, 40 વર્ષથી કોંગ્રેસ માટે મહેનત કરી પણ મળતિયા ટિકિટનો વેપાર કરતા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ 2015 અને 2020માં ખુલ્લેઆમ ટિકિટ અને મેન્ડેડ વેચાતા હતા. મેન્ડેડ આપવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હોય પણ મેન્ડેડ મળે જ નહિ.
બીજી તરફ કોંગ્રેસ પર કટાક્ષ કરતાં ઋષિકેશ પટેલનું નિવેદન હતું કે, વિકાસ કે ભારતની અસ્મિતા સાથે કોંગ્રેસ નથી રહી. મતો આધારિત રાજનીતિ અને આગેવાની કરવા વાળાની જ ફોજ છે કોંગ્રેસ.
મહેસાણાના વિસનગરમાં આરોગ્ય પ્રધાન કેજરીવાલ પર વરસ્યા હતાં. ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભ્રષ્ટાચાર દૂર કરવા જ પ્રયાસ કરી રહ્યા છે. જે ભ્રષ્ટાચારીઓ પોતાના પરિવારના ગજવા ભરવા ભ્રષ્ટાચારો કરી રહ્યા છે. એ ભ્રષ્ટાચારીઓને છોડાવવા ગઠબંધન ભેગુ થઈ રહ્યું છે. જે ભાઈ જેલમાં છે એ જ પહેલા કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને મમતાજી પર પોલીસ કેસ કરી ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા હતા અને એ જેલમાં ગયા છે. ત્યારે હવે આ બધા ભેગા થઈ તેને છોડાવવા માટે મથી રહ્યા છે. પુરાવા કોર્ટમાં મૂકવા પ્રમાણે એમને જામીન મળે એમ નથી. તપાસ એજન્સી નિષ્પક્ષ રીતે કામ કરી રહ્યું છે. ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી થાય એટલે લોકશાહી ખતરામાં લાગે છે એમને.