મોરબી : ગત 15 સપ્ટેમ્બરના રોજ સરધારકા ચેકડેમમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો મળી આવતા પોલીસ ટીમ દોડી ગઈ હતી. મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી. વાંકાનેર સ્થાનિક પોલીસ, LCB અને SOG ટીમોએ તપાસ ચલાવી અને મૃતકની માતા સુધી પહોંચી હતી. મૃતક રાજેશ પ્રેમજી સોલંકી શક્તિપરા વાળા હોવાનું ખુલ્યું હતું.
ચકચારી હત્યા કેસ : આ અંગે વધુ તપાસ કરતા માહિતી મળી કે મૃતક રાજેશને આરોપીઓ જીતેન્દ્ર રબારી અને ભાવેશ ડાભી સાથે ગત 13-14 સપ્ટેમ્બરના મોડી રાત્રીના બોલાચાલી અને ઝઘડો થયો હતો. જે ઝઘડા બાદ આરોપી જીતેન્દ્રએ મૃતકના માથાના પાછળના ભાગે કડાથી 4-5 ઝાપટ મારી ઇજા કરી અને બાઇકમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા. મૃતકને પાણીના ખાડામાં ડુબાડી દેવાનો પ્લાન હતો, પરંતુ હજુ થોડો જીવ હોવાથી મોટો પથ્થર મારી હત્યા કરી હતી. બાદમાં સરધારકા નજીકના ચેકડેમમાં મૃતદેહ ફેંકી નાસી ગયા હતા.
આરોપી અને મૃતક મિત્રો હતા : DySP એસ. એચ. સરડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મૃતક યુવાન અને બંને આરોપીઓ મિત્રો હતા અને ગુનાહિત માનસિકતા ધરાવતા હતા. રેલવે સ્ટેશન પાસે બુટ પોલીસ અને અન્ય કામો સાથે કરતા હતા. RPF ઇન્કવાયરી માટે બોલાવ્યા બાદ ઝઘડો થયો હતો અને હત્યા કરી દેવામાં આવી હતી.
આરોપીઓએ પુરાવાનો નાશ કર્યો : હત્યા બાદ બંને ઈસમો પોતાના ઘરેથી બીજા કપડાં લાવી ધમલપર ગામની સીમમાં પહેરેલા કપડાં કાઢી સળગાવી પુરાવાનો નાશ કર્યો હતો. તેમજ પોલીસે હત્યામાં વપરાયેલ બાઇક કબજે લીધું છે.