મોરબી: વાંકાનેરના કોઠી ગામે હત્યાના પ્રયાસના કેસમાં આરોપીને 10 વર્ષની કેદની સજા અને દંડ મોરબી કોર્ટે ફટકાર્યો છે. વાંકાનેર તાલુકાના કોઠી ગામમાં જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યાનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે એક આરોપીને 10 વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો છે. જયારે 7 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મુકવા હુકમ કર્યો છે.
ઘટના 2004માં બની હતીઃ આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા. 11-09-2004ના રોજ કોઠી ગામે આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી કુંડલીવાળી લાકડી ધારણ કરી ફરિયાદી પર જીવલેણ હુમલો કરી નાગજીભાઈને ઈજા કરી મુંઢ માર મારી ખૂની જીવલેણ હુમલો કરી મૃત્યુ નિપજાવવાની કોશિશ કરી હતી. જેમાં ધારિયાનો એક ઘા માથા પર મારી લાકડી વડે હુમલો કરી હત્યાની કોશિશ કરી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લઈને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. જે કેસ એડીશનલ સેશન્સ જજ સાહેબની કોર્ટ મોરબીમાં ચાલી જતા જીલ્લા સરકારી વકીલ વિજયકુમાર જાની અને મદદનીશ સરકારી વકીલ નીરજભાઈ કારીઆએ કોર્ટમાં 19 મૌખિક પુરાવા અને 31 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.
10 વર્ષની સજા અને દંડ ફટકારાયોઃ કોર્ટે આરોપી સતા લાખા મુંધવાને આઈપીસી કલમ 323 મુજબના ગુનામાં 1 વર્ષની સજા અને 1000 રૂપિયા દંડ તેમજ આઈપીસી કલમ 324 મુજબના ગુનામાં 3 વર્ષની કેદની સજા અને રૂ 3000 દંડ તેમજ આઈપીસી કલમ 307 મુજબના ગુનામાં 10 વર્ષની કેદની સજા અને રૂ 5000 દંડ ફટકાર્યો છે. આરોપી સતા લાખા મુંધવા હાલ જામીન પર હોવાથી તેના જામીન રદ કરી જ્યુડીશીયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો છે.
વળતરનો આદેશઃ જયારે અન્ય આરોપીઓ મેઘા નોંઘા મુંધવા, કહેતા ખેંગાર મુંધવા, રાઘવ ખેંગાર મુંધવા, સતા ખેંગાર મુંધવા, ગોવિંદ સામત મુંધવા, બેચર ખેંગાર મુંધવા અને ગેલા લાખ મુંધવા રહે કોઠી તા. વાંકાનેર વાળાને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કર્યો છે. આરોપીઓને ઈજા પામનાર નાગજીભાઈ દેવાભાઈને રૂ 2 લાખ તેમજ દંડની રકમ ભરે તે 9 હજાર મળીને કુલ રૂ 2.09 લાખ વળતર ચુકવવા આદેશ કર્યો છે.