મોરબી: રાજ્યભરમાં છેલ્લાં કેટલાંક દિવસોથી નશીલા દ્રવ્યોનું વેચાણ સતત વધી રહ્યું છે, ત્યારે મોરબી જિલ્લાના ટંકારામાં આવેલી શાક માર્કેટમાંથી ફ્રુટ સાથે ગાંજાનું વેચાણ થતું હોવાનો ગોરખધંધો ઝડપાયો છે.
ફ્રુટની આડમાં શાકમાર્કેટમાં વેચતો હતો ગાંજો
એસઓજી ટીમ ટંકારા પંથકમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકી નામનો ઇસમ ટંકારા ગ્રામ પંચાયત સંચાલિત શાક માર્કેટના થળા નં ૧૮ પર બેસી ફ્રુટના વેપારની સાથે છુપી રીતે માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખી ખાનગીમાં વેચાણ કરે છે.
૧ કિલો ૪૩૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો
આ બાતમીના આધારે ટીમે શાક માર્કેટમાં આરોપીના થળા પર જઈને તપાસ કરી હતી તેમજ ટંકારાની મેમણ શેરી સ્થિત આરોપીના મકાન ખાતે પણ તપાસ કરી હતી અને ત્યાંથી પોલીસને ૧ કિલો ૪૩૫ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે રેડ કરીને ૧૪,૩૫૦ની કિંમતનો ગાંજો, તેમજ રોકડ રૂ ૨૦૦૦, મોબાઈલ, વજન કાંટો સહીતનો કુલ ૪૬,૮૫૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો છે. હાલ પોલીસે આરોપી હુશેન ઉર્ફે સબલો સલીમ સોલંકીને ઝડપી લઈને ટંકારા પોલીસ મથકમાં એન.ડી.પી.એસ એક્ટની કલમ ૮ (સી), ૨૦ (બી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. -એમ.પી.પંડ્યા, PI,SOG