વલસાડ: વલસાડ જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ ડાંગરની ખેતી ઉપર નભતા મોટા ભાગના ખેડૂતો બિયારણની સહિતની ખરીદી કરવા લાગ્યા છે. ગત વર્ષ કરતાં આ વર્ષે બિયારણમાં પ્રતિકિલોએ 60 થી 70 રૂપિયાનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે.
વધેલા ભાવના કારણે કેટલાંક ખેડૂતોન નિરાશ કરી દીધા છે. બિયારણ લીધા વગર કૃષિ પાક લેવો અશક્ય છે, આ પંથકના મોટાભાગના ખેડૂતો ગરીબ છે તેમની આજીવિકાનો આધાર જ કૃષિ અને કૃષિલક્ષી કાર્યો છે.
ધરમપુર અને કપરાડા વિસ્તારના ખેડૂતો સંપૂર્ણ કુદરત પર આધારીત એટલે કે વરસાદ પર આધારીત ખેતી કરે છે. જેથી મોટાભાગના ખેડૂતોને વરસાદ ખેંચાઈ જાય ત્યારે મુશ્કેલીમાં મુકાવવું પડે છે.
હાઈબ્રીડ બિયારણ હોય કે સમાન્ય બિયારણ પાણી વિના ડાંગરના પાક ને બચાવવો મુશ્કેલ બને છે, ત્યારે ખેડૂતો કફોડી સ્થિતિમાં મુકાય છે. સારા પાકની આશાએ હાલ તો વલસાડ જિલ્લાના ખેડૂતો ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે જ ડાંગરના બિયારણની ખરીદી કરવા માટે બજારોમાં ઉમટી પડ્યા છે.