જૂનાગઢ : 31 જાન્યુઆરીના રોજ જૂનાગઢમાં જાહેર સભા દરમિયાન ભડકાઉ ભાષણ કરવાના આરોપી મોલાના સલમાન અજહરી પાસા હેઠળ વડોદરા જેલમાં બંધ છે. સલમાન અજહરીની જામીન રદ થાય તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. બચાવ પક્ષના વકીલે સમગ્ર મામલામાં અન્ય ચુકાદાનો અભ્યાસ કરી શકાય તે માટે સમય માંગતા જૂનાગઢ કોર્ટે આગામી 4 એપ્રિલે સુનાવણી રાખી છે.
પોલીસની રિવિઝન અરજી : મોલાના સલમાન અજહરીને ફરી એક વખત જૂનાગઢ કોર્ટમાં આવવાની ફરજ પડી છે. જૂનાગઢમાં 31 જાન્યુઆરીના દિવસે મૌલાના સલમાન અજહરીએ નશાબંધીના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેના સંદર્ભમાં પોલીસે મૌલાના સલમાન અજહરીની 5 ફેબ્રુઆરીએ અટકાયત કરી હતી. ત્યારબાદ કોર્ટે 20 કલાકના રિમાન્ડ આપીને 6 ફેબ્રુઆરીએ મૌલાના સલમાન અજહરીને જામીન પર મુક્ત કર્યા હતા. પરંતુ કચ્છ પોલીસે એક સમાન ગુનામાં સલમાન અજહરીની અટકાયત કરી હતી.
મૌલાના અજહરી પર કાર્યવાહી : કચ્છ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ મૌલાનાને જામીન મળ્યા બાદ અરવલ્લી પોલીસે એક ગુનામાં અટકાયત કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સમયે જૂનાગઢ પોલીસની દરખાસ્તના આધારે જિલ્લા કલેકટર દ્વારા મોલાના સલમાન અજહરીને પાસામાં મોકલવાની દરખાસ્ત કરી હતી. સુરક્ષા કારણોથી અમદાવાદ જેલમાં રાખવામાં આવેલ મોલાના અજહરીને વડોદરા જેલમાં મોકલવામાં આવ્યા હતા. જૂનાગઢ પોલીસે મૌલાનાને મળેલા જામીન રદ થાય તે માટે રિવિઝન અરજી કરી હતી. જેની સુનાવણી 4 એપ્રિલના રોજ નિર્ધારિત થઈ છે.
બચાવ પક્ષની રજૂઆત : જૂનાગઢ કોર્ટમાં મોલાના સલમાન અજહરી પક્ષે કોર્ટમાં કેસ લડી રહેલા વકીલ સબીર શેખે ETV Bharat સમક્ષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, જે પ્રકારે પોલીસે રિવિઝન અરજી કરી છે, તેમાં મૌલાનાને કોર્ટમાં રજૂ કરવાની કોઈ જરૂરિયાત તેમને જણાતી નથી. આ સિવાય પોલીસની રિવિઝન અરજી પર સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટે જે ચુકાદા અગાઉ આપ્યા છે, તેનો અભ્યાસ કરવા માટે તેમને સમય આપવામાં આવે તેવી રજૂઆત કોર્ટ સમક્ષ કરી હતી. કોર્ટે આગામી ચોથી એપ્રિલના દિવસે પોલીસની રિવિઝન અરજી પર સુનાવણી કરવાનો આદેશ કર્યો છે.