ખેડા : લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતની 25 લોકસભા બેઠક પર આજે મતદાન છે. ખેડા જિલ્લામાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો મતદાન કરીને મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યારે નડિયાદના મતદાન મથક ખાતે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈ અને ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે મતદાન કર્યું હતું. સાથે જ જનતાને મતદાન કરવા અપીલ કરવા સાથે ભાજપની જીતની વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
MLA પંકજ દેસાઈ : નડિયાદમાં સ્થિત શાળા નંબર 1 મતદાન મથક પર નડિયાદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પંકજ દેસાઈ અને તેમની પત્નીએ સજોડે મતદાન કર્યું હતું. મતદારો ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન કરી ભાજપને વિજયી બનાવશે તેવો આશાવાદ પંકજ દેસાઈએ વ્યક્ત કર્યો હતો. પંકજ દેસાઈએ કહ્યું કે, ગુજરાતની તમામ બેઠક પર ભાજપનો વિજય થશે. ઉપરાંત દેશને આગળ લઈ જવાના યજ્ઞમાં મતદાન કરી સહભાગી બનવા મતદારોને અપીલ કરી હતી.
ખેડા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ : બીજી તરફ ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે નડિયાદમાં સ્થિત N.E.S. સ્કૂલ મતદાન મથક ખાતે મતદાન કર્યું હતું. અજય બ્રહ્મભટ્ટ પોતાના મિત્ર વર્તુળ સાથે મત આપવા મતદાન મથકે પહોંચ્યા હતા. મતદાન કર્યા બાદ અજય બ્રહ્મભટ્ટે કહ્યું કે, 6 લાખથી વધુની લીડ સાથે ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી જીતે છે. તેમજ ખેડા લોકસભા બેઠકની સાથે સાથે ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાશે તેવો આશા વ્યક્ત કરી મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.