સુરત: ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કુમાર કાનાણી લેટર બોમ્બ માટે ખૂબ જ પ્રચલિત છે. અવારનવાર તેઓ કોઈને કોઈ સમસ્યા મુદ્દે રાજ્ય સરકારને પત્ર લખીને રજૂઆત કરતા હોય છે. ત્યારે ફરી એક વખત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીનો લેટર બોમ્બ સામે આવ્યો છે.વિદ્યાર્થીઓની મુશ્કેલીને ધ્યાનમાં લઈને GCAS પોર્ટલ બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્રની ભૂમિકા પર શંકા વ્યક્ત કરતો એક પત્ર તેમણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો છે.
વિદ્યાર્થીઓને થતી મુશ્કેલી બાબતે મુખ્યમંત્રીને રજૂઆત: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં તેમણે વિદ્યાર્થીઓને થતી મુશ્કેલી બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, શૈક્ષણિક વર્ષ 2024-25માં GCAS પોર્ટલ પરથી સમગ્ર રાજ્યમાં પ્રવેશ પ્રક્રિયા ગોઠવવામાં આવી છે. જેમાં ખાનગી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલીને કોઈપણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો છે. આ પ્રક્રિયાના કારણે ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તંત્રની પણ ભૂમિકા શંકાના દાયરામાં છે.
મોનિટરિંગ સિસ્ટમ નથી કહીને હાથ ઊંચા કર્યા: લેટરમાં વધુ જણાવતા તેમણે લખ્યું છે કે, મેરીટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરીટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં વહેલા તે પહેલા ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને મળેલો ઓફર લેટરમાં તારીખ 16 જુન 2024 થી 25 જૂન 2024 સુધીમાં પ્રવેશ કન્ફર્મ હોવા છતાં પણ કોલેજોએ 16 જૂન 2020ના દિવસે તમામ વિદ્યાર્થીઓને વહેલા તે પહેલાના ધોરણે મેરીટ પ્રક્રિયાનો છેદ ઉડાડી પ્રવેશ આપી દીધો. ત્યારબાદ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા GCAS પોર્ટલ પરથી થતું હોવાનું કહીને અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહીને હાથ ઊંચા કરી લીધા હતા જેને પરિણામે હવે વિદ્યાર્થીઓ અટવાયા છે.
ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઊભી થઈ: તેમણે વધુમાં લખ્યું છે કે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટીયા ઉભા થતા ઘણા વિદ્યાર્થી પાસેથી નાણા પણ ખંખેરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ પણ ઊભી થઈ છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એકમાત્ર ડીઆરબી કોલેજ પૂરતી કમિટી બનાવવામાં આવી છે અને બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં મોટા પ્રમાણમાં આ પ્રકારની ગેરરીતિ વિશે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રવેશ પ્રક્રિયામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવે જેથી કોઈપણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા પોતાની મનમાની ન ચલાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય તેવી માગણી કરી છે.
VNSGUના કુલપતિનું વિધ્યાર્થીઓને આશ્વાસન: ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીની આ રજૂઆતને ધ્યાનમાં લઈને વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા તાત્કાલિક અસરથી આ બાબતે તપાસ કરાવવામાં આવી હતી અને જે વિદ્યાર્થીઓના મેરીટ આધારે એડમિશન થયા ન હતા તેવા 91 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન કેન્સલ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કુલપતિ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે, ત્રીજા રાઉન્ડ સુધીમાં તમામ વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ થઈ જશે અને કોઈ પણ વિદ્યાર્થીને મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં.