પાટણ: ઉત્તર ગુજરાતની સૌથી મોટી 147મી યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની આમંત્રણ પત્રિકા વિવાદમાં આવી છે. આમંત્રણ પત્રિકામાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની બાદબાકી કરવામાં આવી છે. જેનાથી ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોએ આ પત્રિકાનો સોશિયલ મીડિયામાં ખુબ જ વિરોધ કર્યો છે. જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય પોતે ધારાસભ્ય સાથે પૂર્વગ્રહ રાખતા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.
પાસ કન્વીનર હાર્દિક પટેલ અને જયેશ પટેલે વિરોધ નોંધાવ્યો: પાસ કન્વીનર હાર્દિક પટેલ તેમજ પાટણ પાટીદાર કિસાન સેનાના પ્રમુખ જયેશ પટેલે સોશિયલ મીડિયામાં આમંત્રણ પત્રિકા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. જે બાબતે ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થનમાં જગન્નાથ ભગવાનની આમંત્રણ પત્રિકાનો વિરોધ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયામાં વિરોધ થયા બાદ ટ્રસ્ટીઓએ નવી કંકોતરી છપાવી જેમાં કિરીટ પટેલનું નામ પણ છપાવવામાં આવ્યું છે. સોશિયલ મીડિયામાં સમર્થકોએ નોંધાવેલા વિરોધને કારણે જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓએ કિરીટ પટેલનું નામ છપાવવાની ફરજ પડી છે.