મહેસાણા : 43,000 કિલો શંકાસ્પદ રૂ.1.24 કરોડના નકલી ઘીનો જથ્થો સાંભળતા જ નવાઈ લાગે. મહેસાણાના કડીમાં આટલો મોટો શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો મળતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. જોકે, ગોડાઉન માલિક ફરાર થઈ ગયો છે.
ડુપ્લીકેટ ઘીનો કાળો કારોબાર : તહેવારોની સિઝનમાં જ શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી નો મોટો જથ્થો ઝડપાતાં તંત્ર પણ ચોંકી ઉઠયું છે. મહેસાણાના કડી GIDC માં શંકાસ્પદ ઘી નો મસમોટો જથ્થો ઝડપાયો છે. કડી GIDC ના 5 ગોડાઉન કે જ્યાં ભાડાના ગોડાઉનમાં ચાલતો હતો, ડુપ્લીકેટ ઘી બનાવવાનો કાળો કારોબાર.
રૂ.1.24 કરોડનો જથ્થો : મહેસાણા LCB પોલીસ અને ફૂડ અધિકારી વી. જે. ચૌધરી અને તેમની ટીમે કડી GIDC માં રેડ કરી હતી. મહેસાણા ફૂડ વિભાગ અને LCBની ટીમે મોડી રાત્રે બાતમીના આધારે કરેલી રેડમાં અંદાજે રૂપિયા 1 કરોડ આસપાસનો શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનો જથ્થો સીઝ કરાયો છે. FSL ટીમે ઘટનાસ્થળે પહોંચી સેમ્પલ લીધા હતા.
43 હજાર કિલો શંકાસ્પદ ઘી : ફૂડ વિભાગે કુલ 24,297 કીલો લુઝ ઘી, 4979 કિલો લુઝ પામોલિન, 8036 કિલો રિફાઇન પામોલિન અને 5798 કિલો ફોરેન ફેટનો જથ્થો સ્થળ પર સીઝ કર્યો છે. કિંમત રૂપિયા 1,24,87,865/- રૂપિયાનો આ કુલ 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી ફૂડ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
ફૂડ વિભાગની કાર્યવાહી : ફૂડ વિભાગ અને FSL દ્વારા અલગ અલગ નમુના લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ શંકાસ્પદ ઘી પામઓઇલ, ફોરેન ફેટ મિક્સ કરી બનાવવામાં આવતું હતું. જે ઘી ના નમૂના લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો માલિક ફરાર છે.