કચ્છ: રાજકોટ TPR ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ કચ્છનું વહીવટી તંત્ર પણ સજાગ થયું છે અને આજે ભુજ ખાતેની કલેકટર કચેરી ખાતે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં ભુજ,ગાંધીધામ અને મુન્દ્રામાં આવેલા ગેમઝોનની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી બંધ રાખવાના સૂચનો વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવ્યા છે. જિલ્લા મામલતદાર, ટીડીઓ, ફાયર વિભાગ, PGVCL,પોલીસ સહિતના વિભાગના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા.

બેઠકમાં કાયદેસરની કાર્યવાહીના આદેશ
બેઠકમાં ગેમ ઝોનની તપાસ કરવા તેમજ જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. કચ્છ જીલ્લામાં આમ તો ખૂબ ઓછા ગેમ ઝોન છે ત્યારે આ સ્થળોએ તપાસ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે. જેમાં નાયબ મામલતદાર, નગર પાલિકા, ફાયર વિભાગ, PGVCL અને પોલીસ તંત્ર દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવશે અને તપાસ દરમિયાન આવા સ્થળોની બાંધકામની મંજૂરી, ફાયર સેફટી અંગેના પર્યાપ્ત સાધનો છે કે નહીં અને તે જગ્યાના પુરાવા વગેરે જેવા તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવશે.