સુરત : સાયબર ફ્રોડ મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સિવિલ એન્જિનિયરની ધરપકડ કરી છે. આણંદ યુનિવર્સિટીમાંથી BE સિવિલ કરનાર ભેજાબાજે ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ નોકરી આપવાનું જણાવી અલગ અલગ હોટલના રૂમ બુકિંગ કરાવવાના નામે અને તેમાંથી કમિશન આપવાના નામે લાલચ આપી રુ. 6.8 લાખથી વધુની છેતરપિંડી આચરી હતી. પોલીસે આરોપી એન્જિનિયર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે.
આરોપીની લોભામણી લાલચ : આરોપી ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી લોકોને હોટલના રૂમ બુકિંગ કરાવી તેમાંથી સારું કમિશન આપવાની લોભામણી વાત કરતો. ત્યારબાદ આરોપી લાખો રૂપિયા પોતાના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો હતો. આ ભેજાબાજ સિવિલ એન્જિનિયર સહિત ત્રણ લોકોની સુરત સાયબર ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.
ટેલિગ્રામમાં રચ્યું કાવતરૂં : ટેલિગ્રામમાં @Shaishtapw પરથી વાત કરનાર સાઈઝ પવાર તથા ટેલિગ્રામ આઈડી @CustomersupportdeskNo13 પરથી વાત કરનાર સ્ટીફન અને બેન્ક એકાઉન્ટ ધારકોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. ફરિયાદીને પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવી તેની પાસેથી અલગ અલગ હોટલમાં રૂમ બુક કરાવવાના નામે એક ખાસ ટાસ્ક આપ્યો. આ ટાસ્ક પ્રમાણે જેટલા બુકિંગ થશે તેટલી કમિશન આપવાની લાલચ આપી હતી.
લાખો રૂપિયાની છેતરપિંડી : આરોપીએ ફરિયાદીને લોભાવની વાતો કરી જણાવ્યું હતું કે, જો ફરિયાદી આ ટાસ્ક પૂર્ણ કરશે તો એક સેટમાં 25 રૂમ બુકિંગના રૂ. 1,000 થી રુ. 5,600 સુધીનું કમિશન આપવામાં આવશે. જેથી ફરિયાદીએ ટાસ્ક પૂર્ણ કરતા તેમને 922 કમિશન આપ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને અલગ અલગ ટાસ્ક મુજબ વિવિધ બેન્ક એકાઉન્ટમાંથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. જેમાંથી ફરિયાદીના રુ. 36,145 વિડ્રો કરવા દઈ બાકીના રુ. 6,82,922 લાખનું કમિશન વિડ્રો ન કરવા દઈને છેતરપિંડી આચરી હતી.
માસ્ટર માઈન્ડ સિવિલ એન્જિનિયર : આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઈન્ડ અમિત જીવાણી છે. જેણે આણંદમાંથી BE સિવિલ એન્જિનિયરિંગ પણ કરી છે. પરંતુ હાલમાં આરોપીએ આ ગુનાને અંજામ આપ્યો છે. હાલમાં આરોપી અમિત ઓનલાઈન વેપાર સાથે પણ સંકળાયેલો છે.
ચાર આરોપીની ધરપકડ : આ સમગ્ર મામલે એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા 47 વર્ષીય સંજય કુમાર, 26 વર્ષીય પિયુષ પરમાર, 30 વર્ષીય ભરત ભરવાડ અને 26 વર્ષીય અમિત જીવાણીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે માસ્ટર માઈન્ડ અમિત છે. આરોપીએ અન્ય કેટલાક લોકો ભોગ બનાવ્યા છે, તે અંગેની તપાસ સુરત સાયબર ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે.