ખેડા: કઠલાલમાં સામાજિક કાર્યકર એવા પ્રશાંત ઠાકર અને ઇરફાન વોરા સહિત સાત લોકોને ખંડણીખોરો દ્વારા નનામી ચિઠ્ઠીઓ લોકોના ઘર તેમજ અલગ-અલગ જગ્યા પર મૂકી 30 થી 50 લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરવામાં આવી હતી.
'ખંડણીખોરે પાંચ દિવસમાં જો મારું કામ નહીં થાય તો તમારા પરિવારને જીવવું ભારે કરી દઈશ અને જો તમે કોઈને કહેશો તો તમને પણ જીવવા નહીં દઉં. તમે મારું કશું ઉખાડી નહીં શકો તેવી ધમકી પણ આપવામાં આવી હતી. આવી ધમકી આપતી ચિઠ્ઠીઓ લોકોને આપી ખંડણી માગી છે'.કઠલાલના સેવાભાવી કાર્યકર પ્રશાંત ઠાકરને એવું જણાવ્યું હતું કે, 'તારા પરિવારને કઠલાલમાં તો શું અમદાવાદમાં તો શું વિદેશમાં પણ નહીં જીવવા દઉં તેમ જણાવાયુ હતુ'.
ચિઠ્ઠીએ વધારી લોકોની ચિંતા: શહેરના સામાજીક કાર્યકર પ્રશાંત ઠાકરના પુત્ર કેનેડામાં રહેતા હોવાથી પ્રશાંત ઠાકરનું પરિવાર ધમકીથી ભયભીત બન્યું છે. ઇરફાન વોહરાને એવું જણાવ્યું હતું કે તારો મોટો ભાઈ પત્રકાર છે, તેને પણ જણાવતો નહીં.જો તું તારા ભાઈને જણાવીશ કે પોલીસને જણાવીશ તો તને જીવવા નહીં દઉં કે તારા પરિવારને જીવવા નહીં દઉં અને ધોળે દિવસે બજારમાં ફાયરિંગ કરીને તને ઉડાવી દઈશ. આ પ્રકારની નનામી ચિઠ્ઠીઓમાં ખંડણીખોરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પોલિસે હાથ ધરી તપાસ: ઇરફાન વોરા અને પ્રશાંત ઠાકર સહિતના સાત લોકો દ્વારા કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેને લઈ પોલીસે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.