પોરબંદર: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી હતી. પોરબંદર શહેર અને જિલ્લાના ઔદ્યોગિક-વ્યાપારિક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે વિવિધ પ્રશ્નો અને તેના સકારાત્મક નિરાકરણ મુદ્દે વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો.
સંવાદ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો: ધી પોરબંદર ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા વાડી પ્લોટ ખાતે આવેલ રાજપૂત સેવા સમાજ હોલમાં કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જતીન હાથીએ કેન્દ્રીય મંત્રીને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. પોરબંદર શહેર અને જિલ્લાના ઔદ્યોગિક-વ્યાપારિક, આર્થિક વિકાસ અને પ્રગતિ માટે પ્રશ્નો અને તેના ઉકેલો માટેની ચર્ચા-વિચારણા, માર્ગદર્શન અંગે સંવાદ કરવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન આપ્યું: ભારત સરકારના શ્રમ, રમત અને યુવા બાબતોના મંત્રાલયના કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયાએ વેપારીઓ સાથે પોરબંદરના વિકાસ અંગે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ માર્ગદર્શન પણ આપ્યું હતું. કેન્દ્રીયમંત્રી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે ભારત વાણિજ્ય વેપાર ક્ષેત્રે નવા આયામો સિદ્ધ કરી રહ્યું છે. રોજગારી સર્જન સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે સરકારની યોજનાઓની અમલવારી કરીને ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહિત કરવાની યોજના વિશેની વાત કરીને મંત્રીએ પોરબંદરમાં પણ વેપાર ઉદ્યોગોને બળ અને પ્રોત્સાહન મળે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાશે.
શહેરના વેપારીઓ અન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા: આ અંગે પોરબંદરના જનપ્રતિનિધિઓ દ્વારા પણ સૂચનો મળ્યા છે. જે ધ્યાનમાં લેવાશે તેમ પણ મંત્રી જણાવ્યું હતું. ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા તથા વેપારીઓ પોરબંદર માટે જે સ્વપ્ન સેવ્યા છે તેમાં પૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુ બોખીરીયા, પ્રદીપ ખીમાણી, કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર અને જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોરબંદર-છાંયા નગરપાલિકા પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સના પદુ રાયચુરા, જતીન હાથી, અનિલ કારિયા, રાજપૂત સમાજના અગ્રણી રાજભા જેઠવા સહિત શહેરના વેપારી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.