જૂનાગઢ: આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખીને પ્રદેશ મોવડી મંડળ દ્વારા જૂનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે મનોજ જોશીની નિમણૂક કરી છે મનોજ જોષી એ પ્રમુખ બન્યા ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં પાર્ટીના કાર્યકરોને એકત્રિત કરીને લોકસભાનો જંગ જીતવા માટેની રણનીતિ બનાવવાનું વચન આપ્યું હતું.
મનોજ જોશી નવા શહેર કોંગ્રેસ પ્રમુખ
પ્રદેશ મોવડી મંડળ દ્વારા આજે ગુજરાતમાં કેટલાક જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે તે મુજબ આજે પાછલા બે વર્ષથી ખાલી પડેલી જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખના પદ પર પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશીના પુત્ર મનોજ જોશીની નિમણૂક કરી છે. નિમણૂક થયા બાદ પ્રમુખ મનોજ જોશીએ ઈટીવી ભારત સાથે વાતચીત કરી હતી અને પ્રદેશ મોવડી મંડળે તેમને શહેર કોંગ્રેસની જવાબદારી શોંપીને તેમના પર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે તે બદલ તેમણે સમગ્ર કોંગ્રેસ પરિવારનો આભાર માન્યો હતો.
લોકસભામાં કાર્યકરોને કરાશે એકત્રિત
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને નવ નિર્મિત જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષી પક્ષના કાર્યકરોને એકત્રિત કરીને લોકસભાની ચૂંટણીમાં ભાજપને કઈ રીતે પરાસ્ત કરી શકાય તેને લઈને રણનીતિ પણ બનાવવામાં આવશે. પાછલા બે વર્ષથી શહેર કોંગ્રેસનું પદ ખાલી હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણીની બિલકુલ ઘડીઓ ગણાઇ રહી છે. આવા સમયે જૂનાગઢ શહેર કોંગ્રેસને નવા પ્રમુખ મળ્યા છે તેની સામે સૌથી મોટો લોકસભાની ચૂંટણીનો જંગ જીતવાનો પડકાર પણ સામે ઉભેલો જોવા મળે છે. ઉમેદવારની પસંદગીથી લઈને કાર્યકરો અને ભાજપ સામેની રણનીતિ બનાવાનો નવા વરાયેલા પ્રમુખ મનોજ જોશી માટે ખૂબ જ આકરુ બની રહેશે.