મહીસાગરઃ મોહરમ મહિનો મુસ્લિમ સમુદાયના નવા વર્ષનો મહિનો છે. આ મહોરમની ઉજવણીમાં તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. વિવિધ પ્રકારના તાજીયા બનાવીને તેમનું જુલુસ કાઢવામાં આવે છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા, વિરપુર, બાલાસિનોર અને સંતરામપુર વગેરે પંથકમાં મહોરમનું માતમ મનાવવામાં આવ્યો હતો. મુસ્લિમ બિરદારોએ બનાવેલ કલાત્મક તાજીયા માર્ગો પર ફર્યા હતા. બાલાસિનોરના કસબા મહોલ્લામાં ચાંદીમાંથી બનાવેલા ઝરી તાજીયા જુલુસમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કસબા મહોલ્લા કમિટિ દ્વારા મહોરમના પર્વ નિમિતે તાજીયાનું જુલુસ ધામધૂમપૂર્વક અને દબદબાભેર કાઢવામાં આવ્યું હતું.
ચાંદીમાંથી બનાવાયા ઝરી તાજીયાઃ બાલાસિનોરના કસબા મહોલ્લામાં કસબા મહોલ્લા કમિટિ દ્વારા મહોરમના પર્વ નિમિતે તાજીયાનું જુલુસ ધામધૂમપૂર્વક અને દબદબાભેર કાઢવામાં આવ્યું હતું. જેમાં ચાંદીમાંથી બનાવેલા ઝરી તાજીયા જુલુસમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ પર્વ નિમિતે શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાભાવી લોકો દ્વારા શરબત અને પાણીના સ્ટોલો ઊભા કરવામાં આવ્યા હતા. કલાત્મક તાજીયા અલમ મુબારક સાથે માતમી જુલુસ શહેરના મુખ્ય બજારોમાંથી નીકળ્યું હતું. બાલાસિનોરના કસબા મહોલ્લા દ્વારા પરંપરાગત રીતે શહાદતનો શોક વ્યકત કર્યો હતો. મોડી સાંજે બાલાસિનોરના તમામ તાજીયાનુ જુલુસ શાંતિપૂર્ણ રીતે પસાર થયું હતું.
2022માં ચાંદીના તાજિયા બનાવીને બાલાસિનોર ખાતે લાવવામાં આવ્યા હતા. તેમાં તમામ મુસ્લિમ ભાઈઓએ સાથ સહકાર આપી ઈમામ હુસેનની યાદમાં તાજિયા બનાવ્યા હતા. તાજીયા જુલુસ અમે દર મહોરમના દિવસે કાઢીએ છીએ, જેનો રુટ કસબા મહોલ્લાથી લઈને હુસેની ચોક, અંજુમન ચોક, રાવળ વાળ, વિજય ટોકીઝ, નિશાળ ચોક, મોચીવાડ પછી પાછા હુસેની ચોક, ભાવસાર વાડ થઈ સિવિલ કોર્ટ તળાવ પર પૂર્ણ કરીએ છીએ. હિન્દુ-મુસ્લિમ એકતાના પ્રતિક સમાન આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. આ જુલુસમાં મહીસાગર પોલીસે આપેલ સહકાર બદલ તેમનો ઘણો આભાર માણીએ છીએ...સલીમ બેગ(સ્થાનિક, બાલાસિનોર)