સાબરકાંઠાઃ હિંમતનગરના રાયગઢ ગામે આવેલ વૈજનાથ મહાદેવ મંદિરમાં દર વર્ષે શિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વૈજનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની ગુફાની આબેહૂબ પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિશેષ આયોજનને લીધે મહાદેવ ભકતો અને શ્રદ્ધાળુઓ શિવરાત્રીના દિવસે એક જ સ્થળે 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની ગુફાના દર્શનનો લ્હાવો માણી શકશે.
દર વર્ષે વિશેષ આયોજનઃ હિંમતનગરના રાયગઢ ગામે વૈજનાથ મહાદેવ દાદાના સાનિધ્યમાં યુવાનો અને વૈજનાથ યુવક મંડળ દ્વારા શિવરાત્રી, શ્રાવણ માસ અને દિવાળીના દિવસોમાં વિવિધ પ્રકારના શણગાર, રુદ્રાક્ષનું શિવલિંગ, નારીયેળનું શિવલિંગ વગેરે બનાવવામાં આવે છે. આ વર્ષે એક સાથે 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની ગુફાની આબેહૂબ પ્રતિકૃતિ અહીં તૈયાર કરવામાં આવી છે. આ સ્થળે હિમાલય જેવું પરિસર તૈયાર કરવામાં આવ્યું છે.
તડામાર તૈયારીઓઃ રાયગઢના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી નિમિત્તે કરવામાં આવતા વિશિષ્ટ આયોજનને આખરી ઓપ આપવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં છેલ્લા 10 દિવસથી યુવાનો અને સ્વયંસેવકો દિવસ રાત મહેનત કરી રહ્યા છે. આ વિશિષ્ટ નિર્માણમાં 700 ફિટ કરતા વધુ કાપડ, 200 કિલોથી વધુ પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ શિવરાત્રીના દિવસે 200 કિલોથી વધુ બરફનો ઉપયોગનું આયોજન કરાયું છે. શિવરાત્રીના રોજ ફલાહારની સુવિધા પણ ઊભી કરવામાં આવશે.
દર વર્ષે વૈજનાથ મહાદેવ ખાતે શિવરાત્રી નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની ગુફાની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે...નીતિન પટેલ(સ્થાનિક, રાયગઢ, હિંમતનગર)
હું દર વર્ષે સેવા માટે રાયગઢના વૈજનાથ મહાદેવ દાદાના મંદિરે આવું છું. આ વર્ષે શિવરાત્રી નિમિત્તે આ મંદિરમાં 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની ગુફાની પ્રતિકૃતિનો લાભ શ્રદ્ધાળુઓ મેળવી શકશે...મૃગેશ મિસ્ત્રી(સ્વયંસેવક, અમદાવાદ)
દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રી નિમિત્તે વૈજનાથ મહાદેવ ખાતે વિશિષ્ટ આયોજન કરાયું છે. જેમાં હિમાલય, માનસરોવર, 12 જ્યોતિર્લિંગ અને બાબા બર્ફાનીની ગુફાની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. શિવરાત્રી પર્વે શ્રદ્ધાળુઓ માટે ખાસ ફલાહારનું આયોજન કરવામાં આવ્યું છે...અર્પિત શુક્લ(આયોજક, રાયગઢ, હિંમતનગર)