ભવનાથ : સતયુગમાં જે સ્થાન વિદુરનું હતું તે સ્થાન કલિયુગમાં મોબાઇલનું જોવા મળે છે મહાશિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે. ત્યારે પ્રત્યેક વ્યક્તિના હાથમાં આધુનિક મોબાઈલ હેન્ડસેટ જોવા મળે છે. ત્યારે સંન્યાસીઓ પણ હવે પોતાની રીતે મોબાઇલમાં ફોટો વિડીયો કરતા જોવા મળે છે. ઈટીવી ભારતે નાગા સંન્યાસી સાથે વાતચીત કરી હતી. તેમાં સંન્યાસીએ જણાવ્યું હતું કે આધુનિક યુગમાં સેવકો અને ધર્મની વાત ના પ્રચારને લઈને સંન્યાસીઓ માટે મોબાઇલ આજે અનિવાર્ય બની ગયો છે.
ભવનાથ મહાદેવના મેળામાં નાગા સંન્યાસી મોબાઇલ સાથે : મહાશિવરાત્રીનો મેળો પૂર્ણતા તરફ આગળ વધી રહ્યો છે. મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો જોડાતા હોય છે. આધુનિક યુગમાં મેળાની સારી નરસી તમામ ઘટનાઓને કેમેરામાં કેદ કરવા માટે સૌ કોઈના હાથમાં એક આધુનિક મોબાઈલ ફોન ચોક્કસ જોવા મળે છે. ત્યારે ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં દશનામ જુના અખાડાના સંન્યાસીઓ પણ હવે પોતાની રીતે ફોટો અને વિડીયો બનાવતા મેળામાં નજરે પડ્યા હતાં. આવા જ એક નાગા સંન્યાસી સાથે ઇટીવી ભારતે મોબાઈલ કેમેરામાં વિડીયો અને ફોટોને લઈને એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે આધુનિક સમયમાં સૌ કોઈ પોતાની યાદો સમેટવા માટે આતુર હોય છે, ત્યારે તેઓ સંન્યાસીના રૂપમાં આ મેળાને મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યા છે.
સતયુગના વિદુર કળયુગમાં મોબાઇલ રૂપે : પંચ દશનામ જૂના અખાડાના દિગંબર સંન્યાસી વસંત ભારતીએ મોબાઇલને લઈને ઈ ટીવી ભારત સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે સતયુગમાં મોબાઈલનું કામ વિદુરજી કરતા હતાં. કળિયુગમાં તે કામ મોબાઈલ કરી રહ્યો છે. સતયુગમાં જે માહિતીનો પ્રચાર અને પ્રસાર કરવાનું કામ વિદુરજીના હાથમાં હતું. તે જ પ્રકારે કળિયુગમાં માહિતીનુ આદાનપ્રદાન કરવાનું કામ મોબાઈલ કરે છે. આધુનિક યુગમાં સંન્યાસીઓ દ્વારા પણ અખાડાની પરંપરા સ્થાપવામાં આવી છે. ત્યારે શિવરાત્રીના આ મેળાની પ્રત્યેક ક્ષણ અને સનાતન ધર્મની દરેક વિધિ પ્રત્યેક ભક્તો સુધી પહોંચાડવા માટે તેઓ પણ મોબાઇલ કેમેરાનો ઉપયોગ કરી રહ્યા છે. લાખોની સંખ્યામાં સેવકો ભવનાથ આવી રહ્યા છે. પરંતુ એવા અનેક ભક્તો હોય છે કે છે મેળામાં આવી શકતા નથી. તેવા તમામ ભક્તો માટે તેઓ વીડિયો અને ફોટો બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમો થકી તેઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.