જૂનાગઢઃ મહા શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જેમાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન સનાતન ધર્મના ઉત્સવમાં 'ભંડારો' પણ ખૂબ જ મહત્વ ધરાવે છે. શિવરાત્રીના દિવસો દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં 200કરતાં વધારે નાના-મોટા અન્નક્ષેત્રો ચાલી રહ્યા છે. જેમાં ચા નાસ્તો, ભોજન અને ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના આ દિવસો દરમિયાન સાધુ સન્યાસીઓ માટે વિશેષ 'ભંડારા'નું આયોજન થાય છે જેમાં દેશ-વિદેશ થી આવેલા સાધુ સંતોને ભોજનની સાથે ભેટ પણ આપવામાં આવે છે.
24 કલાક ધમધમતા ભંડારાઓઃ શિવરાત્રીના 5 દિવસો દરમિયાન 24 કલાક ભંડારાઓ સતત ધમધમતા જોવા મળે છે. જેમાં હજારોની સંખ્યામાં સ્વયંસેવકો, સાધુ, સંતો અને મેળામાં આવેલા પ્રત્યેક શિવભક્તો માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અહીં ભોજન સાત્વિક શુદ્ધ અને ગુણવત્તા સભર મળી રહે તેની પણ વિશેષ કાળજી રાખવામાં આવતી હોય છે. ભંડારા દરમિયાન બનતું ભોજન ભગવાનને અર્પણ કર્યા બાદ સાધુ સંતોને ગ્રહણ કરવા માટે પીરસવામાં આવતું હોય છે. જેથી ભંડારામાં બનતા ભોજનની શુદ્ધતા અને પવિત્રતા પણ આટલી જ મહત્વની હોય છે. પ્રત્યેક સાધુ સંતોને ધર્મની પરંપરા અનુસાર ભંડારામાં ભોજન મળે અને ત્યાર બાદ ભોજન ગ્રહણ કરેલા પ્રત્યેક સન્યાસીઓને ભંડારામાં ભેટ આપવામાં આવે તેવી વ્યવસ્થા પણ સતત કરવામાં આવે છે.
ભંડારામાં હજારો કિલો અનાજની સાથે શુદ્ધ દેશી ઘી, ડબલ ફિલ્ટર્ડ શુદ્ધ સિંગતેલ, કઠોળ, ચોખા, લીલા શાકભાજીની વ્યવસ્થા પણ ભંડારાના સંચાલકો દ્વારા કરવામાં આવતી હોય છે. અહીં પ્રતિ દિવસ દાળ-ભાત-શાક-રોટલી-સંભારો-છાશની સાથે 2 મિષ્ઠાન તે પણ શુદ્ધ ઘીમાંથી બનાવેલ અને કોઈ 1 ફરસાણ કે જેમાં ભજીયા-ગાંઠિયા અને અન્ય ચીજ વસ્તુઓનો સમાવેશ કરાય છે. આ વ્યંજનો ખૂબ જ ભાવભેર મેળામાં આવેલા પ્રત્યેક સન્યાસીઓને પીરસવામાં આવે છે. જેની પાછળ પણ લાખો રૂપિયાનો ખર્ચ થાય છે જે અજ્ઞાત દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવે છે...નરેન્દ્રગીરી બાપુ (આપાગીગાનો ઉતારો, જૂનાગઢ)