વલસાડઃ ધરમપુરના વાંકલ ખાતે 11 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચાઈ ધરાવતા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. રુદ્રાક્ષમાંથી બનતા આ શિવલીંગને સતત 4 વાર લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. રુદ્રાક્ષ શિવલિંગ કથાકાર બટુક વ્યાસે બનાવ્યું છે. તેઓ આ પ્રકારના શિવલિંગ બનાવવા માટે પેટન્ટ હોલ્ડર પણ બન્યા છે. કથાકાર બટુક વ્યાસે આ ખાસ શિવલિંગ શિવરાત્રી મહોત્સવ નિમિત્તે તા 2થી 8માર્ચ સુધી બનાવ્યું છે. આજે મોટી સંખ્યમાં ભકતો અને શ્રદ્ધાળુઓએ આ રુદ્રાક્ષ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
રુદ્રાક્ષ શિવલિંગનું મહત્વઃ યુગો પહેલા ઋષિ મુનિઓ વનમાં રહી તપ કરતા ત્યારે વહેલી સવારે જ્યાં સુધી ભગવાન શિવનું શિવલિંગ ન જડે અને તેના પર અભિષેક ન કરવામાં આવે ત્યાં સુધી તેઓ ભોજન ગ્રહણ કરતા ન હતા. જ્યારે વનમાં વિચરતા હોય તેવા સમયે જ્યારે શિવલિંગ કે મંદિર ન મળે તેવા સમયે પોતાની પાસે રાખેલા રુદ્રાક્ષના 1 મણકા ઉપર રુદ્ર અભિષેક કરી શિવલિંગ ઉપર અભિષેક કર્યાનું ફળ મેળવતા વલસાડના વાંકલ ખાતે 11 લાખ રૂદ્રાક્ષમાંથી નિર્મિત રુદ્રાક્ષેશ્વર મહાદેવના શિવલિંગનો અભિષેક કરતા 11લાખ શિવલિંગ ઉપર જલાભિષેક કર્યાનું પુણ્ય પ્રાપ્ત થતું હોવાનું માનવામાં આવે છે. પ્રત્યેક રુદ્રાક્ષ શિવરૂપ છે.
વિશેષ ધાર્મિક કાર્યક્રમઃ ધરમપુર વલસાડ રોડ પર આવેલા વાંકલ ગામે કથાકાર બટુક વ્યાસ દ્વારા 11 લાખ રુદ્રાક્ષમાંથી 15 ફૂટ ઊંચા રુદ્રાક્ષેશ્વર મહાદેવ શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સાથે જ શિવ કથા તેમજ 108 કુંવારીકાઓનું પૂજન સહિતના વિશેષ કાર્યક્રમનો પણ ભકતોએ લાભ લીધો હતો.
કથાકાર બટુક વ્યાસના જણાવ્યા અનુસાર, રુદ્રાક્ષ પોતે સ્વયં રુદ્ર છે. રુદ્રનું અક્ષ એટલે કે રુદ્રાક્ષ. તેના પર જલાભિષેક કરવાથી શિવલિંગ ઉપર જલાભિષેક કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે અહીં 11 લાખ રુદ્રાક્ષમાંથી નિર્મિત શિવલિંગ ઉપર જલાભિષેક કરવાથી 11લાખ શિવલિંગ ઉપર જળ અભિષેક કર્યાનું પુણ્ય મળે છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિવલિંગ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલા રુદ્રાક્ષ અને તેની માળાઓ ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે અને દર વર્ષે નવા રુદ્રાક્ષનો ઉપયોગ શિવલિંગમાં કરવામાં આવે છે શિવલિંગમાં ઉપયોગ કરવામાં આવતા રુદક્ષ મેળવવા નેપાળથી મંગાવવામાં આવે છે.
કથાકાર બટુક વ્યાસે જણાવ્યું કે, છેલ્લા 34 વર્ષ કરતાં વધુ સમયથી તેઓ શિવરાત્રી પર્વની ઉજવણી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ લાભાર્થે અનેક જગ્યાઓ પર 11 લાખ રુદ્રાક્ષમાંથી શિવલિંગનું નિર્માણ થઈ ચૂક્યું છે. તેમની પાસે દર વર્ષે રુદ્રાક્ષનો જથ્થો વધતો જઈ રહ્યો છે. નવા આવતા રુદ્રાક્ષનો અને તેમની પાસે એકત્ર થયેલા રુદ્રાક્ષ મળી આગામી દિવસમાં 1 કરોડ રુદ્રાક્ષમાંથી શિવલિંગ નિર્માણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.