મહીસાગર: મહીસાગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને મહીસાગર કોર્ટે 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. વીરપુર તાલુકાના એક ગામે વર્ષ 2021માં આરોપી વિનુ રોહિત સગીરાને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું આ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મહીસાગર જિલ્લા ન્યાયાલય દ્વારા આરોપી અજય રોહિતને 20 વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો છે.

શું હતો સમગ્ર મામલો: મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના આરોપી અજય વિનુભાઈ રોહિત ઉપર વર્ષ 2021માં 16 વર્ષની સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી યૌન શોષણના આરોપ અંગેની વિરપુર પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ઈપીકો કલમ મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારબાદ મહીસાગરના એડીશનલ સેશન જજની કોર્ટમાં સ્પેશિયલ પોક્સો કેસ શરુ થયો હતો.
આરોપીને 20 વર્ષની સજા: આરોપી વિરૂદ્ધ આ કેસ ચાલી જતા સરકાર તરફથી સરકારી વકીલ જયવીર સિંહ સોલંકીની દલીલ ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ પોક્સો એડિશનલ જજ જે.એન.વ્યાસે આરોપી અજય રોહિતને ઈપીકો કલમ તેમજ પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો છે અને ભોગ બનનારને મહિસાગર કાનૂની સેવા સત્તા મંડળને ત્રણ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.