મહેસાણા: યુવતીને ભગાડી લઈ જવાના કિસ્સાઓ તો આપે ઘણા સાંભળ્યા હશે, પરંતુ આજે અમે આપને મહેસાણા જિલ્લાનો એક એવો કિસ્સો જણાવીશું કે, જેમાં 27 વર્ષ પહેલા યુવતીને ભગાડી ગયેલા વ્યક્તિને પોલીસ સ્ટેશન અને કોર્ટ કચેરીના ચક્કર ખાવાનો વારો આવ્યો.
27 વર્ષ બાદ ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પણ સમગ્ર વાસ્તવિક્તા જાણીને ચોંકી ગઈ હતી. કારણકે આ સ્ત્રી-પુરૂષ પતિ-પત્ની તરીકે સુખી દાંપત્યજીવન વિતાવી રહ્યા હતા અને એટલું જ નહીં તેમના ઘરે ચાર પુત્રી અને પુત્રીના ઘરે પણ બે સંતાન હોવાનું જાણવા મળ્યું હતું.
27 વર્ષ પૂર્વે કર્યુ હતું અપહરણ: અચરજ પમાડે તેવી આ ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, મહેસાણા પે રોલ ફ્લો સ્કવોર્ડે 27 વર્ષે અપહરણના ગુનામાં રાજપૂત જીતેન્દ્ર બાબુભાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી હતી, તેમની સામે વર્ષ 1997માં વિસનગરમાં અપહરણની ફરિયાદ નોંધાઇ હતી. વિસનગરના કમાણા ગામેથી જીતેન્દ્ર ભાઈ એક યુવતીને ભગાડી ગયા હતા. જીતેન્દ્ર વિસનગરના કમાણા ગામે ભાડાના મકાનમાં રહેતા હતા, વિસનગરની યુવતીને ભગાડી અમદાવાદ અને ત્યાર બાદ અજમેર સહિતના શહેરમાં રહ્યા બાદ વિસનગરના કમાણામાં ગામમાં જ બંને પતિ-પત્ની સ્થાયી થયા હતા અને પોતાનો સુખી ઘર સંસાર શરૂ કર્યો હતો.
ફરિયાદથી મામલો આવ્યો ચર્ચામાં: વર્ષ 1997માં જીતેન્દ્ર રાજપૂત 21 વર્ષનો હતો જ્યારે યુવતી 19 વર્ષની હતી . ચોંકાવનારી વિગત એવી સામે આવી કે 2024માં જીતેન્દ્ર પકડાયો ત્યારે તેને 4 પુત્રીઓ અને પુત્રીઓના ઘરે પણ 2 સંતાન હોવાનું જાણવા મળ્યું. એટલું જ નહીં બીજી તરફ ફરિયાદીના પરિવારને પણ આવી ફરિયાદ વિશે કંઈ યાદ પણ ન્હોતું. ફરિયાદ નોંધાવનાર યુવતીના પિતાનું પણ અવસાન થઈ ગયું હતું અને યુવતીના ભાઈને પણ ફરિયાદ વિશે કોઈ ખબર ન હતી.
27 વર્ષના પ્રેમ પ્રકરણની ચર્ચા: પોલીસ તપાસમાં બંને મરજીથી લગ્ન કરી સુખી જીવન વિતાવી રહેલા જોવા મળ્યા છે. 1997માં ફરિયાદ નોંધાવ્યા બાદ થોડા સમય પછી સામાજિક સમાધાન પણ થઈ ગયું હતું . જીતેન્દ્રની ધરપકડ બાદ જામીન પર મુક્ત પણ કરી દેવાયો છે. પણ આ સમગ્ર ઘટનાક્રમથી 27 વર્ષ પહેલાં પ્રેમમાં કરેલા કારસ્તાને તેમને ફરી ચર્ચામાં લાવી દીધા છે.