ભાવનગર: ભાવનગર શહેરમાં ગુજરાતની બીજા નંબરની રથયાત્રા યોજાય છે, ત્યારે આગામી 7 જુલાઈની રથયાત્રાને પગલે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે જળાભિષેકનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ભગવાનને અનેક નિરથી સ્નાન કરાવવામાં આવ્યું હતું.
સુભાષનગર મંદિરે યોજાયો જળાભિષેક: ભાવનગરના સુભાષનગર ખાતે આવેલા ભગવાન જગન્નાથ ત્રિ મંદિરમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જેઠ માસના શુક્લ પક્ષમાં પૂનમ નિમિત્તે ભગવાનનો જળાભિષેક કાર્યક્રમ યોજાયો હતો. રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયા સહિત સમિતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનને વિધિવત રીતે પૂજા અર્ચના બાદ જળાભિષેક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જળાભિષેકની પરંપરામાં કેટલા નદીના નીર: ભાવનગરના સુભાષનગર ખાતે ભગવાન જગન્નાથજીના યોજાયેલા જળાભિષેકમાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રથયાત્રા સમિતિના અધ્યક્ષ હરુભાઈ ગોંડલીયાએ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજી વ્યાપક છે. ભગવાનની ભવ્ય જગન્નાથજીની યાત્રા અષાઢી બીજના દિવસે નીકળે છે.
રથયાત્રા પહેલા ભગવાનના જુદા જુદા ધાર્મિક કાર્યક્રમો હોય છે. અખાત્રીજથી ભગવાનના રથનું કામ શરૂ કરવામાં આવે છે, પછીનો પ્રસંગ એટલે જળાભિષેકનો હોય છે. જેઠ સુદ પૂનમના દિવસે ભગવાનને નદીઓના નિરથી જગન્નાથપુરીમાં સોનાના કૂવામાંથી વગેરે નદીઓના જળ તથા સુગંધી દ્રવ્યો, કેસર, ચંદનથી સ્નાન કરાવવામાં આવે છે અને ભગવાનને સ્નાન કર્યા પછી પૂનમના દિવસે ભગવાન મોસાળ જાય છે. અને 15 દિવસ સુધી ભગવાન પોતાના મોસાળમાં રહે છે અને ત્યારબાદ તેઓ પરત આવે છે.