ગાંધીનગરઃ આ સંસદીય મત વિભાગની ચૂંટણીની મત ગણતરી ગાંધીનગર ખાતે સરકારી કોર્મસ એન્ડ આર્ટસ કોલેજ ખાતે યોજાશે. મત ગણતરીની પ્રક્રિયા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 2500થી વધુ કર્મયોગીઓ ફરજ પર છે.
કુલ 142 રાઉન્ડઃ ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી કુલ-142 રાઉન્ડમાં કરવામાં આવશે. મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે મત ગણતરી, કાયદો અને વ્યવસ્થા તથા અન્ય સુચારું આયોજન માટે કુલ 2500 જેટલા અધિકારી- કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ અદા કરશે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સુચારું આયોજન કરવામાં આવ્યું છે.
સીસીટીવીઃ ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી શાંતિ પુર્ણ માહોલમાં તા.04 જૂન, 2024 ના રોજ સવારના શરૂ થશે. મત ગણતરી સુચારું રીતે સંપન્ન થાય તે માટે સાત વિધાનસભા મતદાર વિભાગ અનુસાર અલગ અલગ મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તેમજ આ મતગણતરી દરમ્યાન પારદર્શિતા જણવાઇ રહે તે માટે તમામ રૂમોમાં સી.સી.ટી.વી. ગોઠવવામાં આવ્યા છે. તેની સાથે તમામ મતગણતરીની આંકડાકીય વિગતો માટે જનરલ કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો છે. સમગ્ર મત ગણતરીની પ્રક્રિયા સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે મત ગણતરી કરનાર અને અન્ય મત ગણતરીના કામ માટે સંકળાયેલા અધિકારી- કર્મચારીઓને તાલીમ આપવામાં આવી છે.
ઝીણવટભરી સમીક્ષાઃ મત ગણતરીની કામગીરી સાથે કુલ- બે હજાર જેટલા કર્મયોગીઓ પોતાની ફરજ અદા કરશે. તેની સાથે મત ગણતરી સેન્ટરની આસપાસ શાંતિપૂર્ણ માહોલ છવાયેલ રહે અને કાયદો – વ્યવસ્થાના સુચારું આયોજન માટે રાઉન્ડ ઘ કલોક 500 થી વધુ પોલીસ જવાનો અને પેરા આર્મીના જવાનો પોતાની ફરજ અદા કરશે. મુખ્ય ઓબ્ઝર્વર વિનયકુમારે પણ સમગ્ર પ્રક્રિયાની ઝીણવટભરી માહિતી મેળવી સમીક્ષા પણ કરી હતી.
કુલ 1938 ભાગમાં વિભાજનઃ ગાંધીનગર સંસદીય મત વિભાગની મત ગણતરી ઝડપી અને સુચારું રીતે પૂર્ણ કરવા માટે સાત વિધાનસભા મતદાર વિભાગને કુલ –1938 ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. તેમજ 142 રાઉન્ડમાં સમગ્ર મત ગણતરીની પ્રકિયા પૂર્ણ થશે. જેમાં 36- ગાંધીનગર(ઉ) માટે 18 રાઉન્ડ અને 241 ભાગ, 38 કલોલ માટે 17 રાઉન્ડ અને 232 ભાગ, 40 સાણંદ માટે 22 રાઉન્ડ અને 297 ભાગ, ૪૧ ઘાટલોડિયા માટે 27 રાઉન્ડ અને 375 ભાગ, 42 વેજલપુર માટે 24 રાઉન્ડ અને 332 ભાગ, 45 નારણપુરા માટે 17 રાઉન્ડ અને 227 ભાગ અને 55 સાબરમતી માટે 17 રાઉન્ડ અને 234 ભાગ પાડવામાં આવ્યા છે.