સુરતઃ ગુજરાતની 26 લોકસભા બેઠકો પૈકી સુરત ભારતીય જનતા પાર્ટીની સલામત બેઠકોમાં ગણાય છે. આ લોકસભા બેઠક પર ભાજપ ક્યાં ઉમેદવારને લોકસભાની બેઠક માટે પસંદ કરશે , કાર્યકર્તાઓની પસંદ કોણ છે આ જાણવા માટે ભાજપના નિરીક્ષકો આજે સુરત શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ આજે ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલય પર પહોંચી હતી જેમાં પૂર્વ પ્રધાન જયસિંહ ચૌહાણ, પૂર્વ પ્રધાન દિલીપ ઠાકોર અને અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષી પટેલનો સમાવેશ થાય છે.
130થી વધુ લોકોના અભિપ્રાયઃ નિરીક્ષકો બપોરે 1:30 કલાકે ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા. તેમણે સાંજે 7:00 કલાક સુધી 130થી વધુ અધિકારીઓ, કોર્પોરેટર્સ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ, કાર્યકર્તાઓના અભિપ્રાય સાંભળ્યા હતા. સુરતથી ભાજપના 5 વરિષ્ઠ નેતાઓએ આવીને આ બેઠક પર પોતાનો દાવો વ્યક્ત કર્યો હતો.
![જાણો ટિકિટવાંચ્છુઓ વિશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/26-02-2024/20848060_b_aspera.jpg)
નીતિન ભજીયાવાલા: નિરીક્ષકો આવે તે પહેલા ભાજપના સૌથી જૂના અને સૌથી સમર્પિત નેતાઓ પૈકીના એક નીતિન ભજીયાવાલા કાર્યાલય પર પહોંચી ગયા હતા. નીતિન ભજીયા વાલા છેલ્લા ઘણા સમયથી ભાજપમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા નથી, તેની પાછળનું કારણ એ છે કે તેઓ સી.આર. પાટીલની વિરુદ્ધ હોવાનું માનવામાં આવે છે. 2019ની લોકસભા ચૂંટણી વખતે પણ તેમણે સુરત લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તે સમયે ભારતીય જનતા પાર્ટી દ્વારા દર્શના જરદોશને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. નીતિન ભજીયાવાલા સુરતના શહેર પ્રમુખ મનપામાં કોર્પોરેટર તરીકે પણ કામ કરી ચૂક્યા છે.
ધીરુ ગજેરાઃ પાટીદાર સમાજનો ચહેરો એવા ધીરુ ગજેરા વર્ષ 2004માં મોદી સરકાર વિરુદ્ધ જોવા મળ્યા હતા. ભાજપના ધારાસભ્ય હોવા છતાં તેમણે પોતાની જ સરકાર વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને કોંગ્રેસમાં જોડાયા હતા. જો કે તેઓ કૉંગ્રેસમાંથી 2 વિધાનસભાની હાર્યા હતા. અંતે તેમણે ઘરવાપસી કરી હતી. ફરીથી ભાજપમાં જોડાયા હતા.સુરત લોકસભા બેઠક પરથી ધીરુ ગજરાએ પોતાની દાવેદારી વ્યક્ત કરી છે.
દર્શના જરદોશ દિલ્હી હોવાથી ગેરહાજરઃ આ ઉપરાંત પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ, મુકેશ દલાલ અને અજય ચોક્સીએ પણ સુરત લોકસભાની બેઠક પર પોતાનો દાવો રજૂ કર્યો હતો. સાંસદ દર્શના જરદોશ આજે દિલ્હીના કાર્યક્રમમાં વ્યસ્ત હોવાને કારણે નિરીક્ષકો સમક્ષ હાજર રહી શક્યા નહતા. તેણી બીજા દિવસે પ્રધાન કનુ દેસાઈના નિવાસસ્થાને પોતાનો દાવો રજૂ કરશે. સુરત પૂર્વના હેમાલી બોઘાવાલા અને અસ્મિતા સિરોયા પણ પોતાનો દાવો વ્યક્ત કરી શકે છે.
અગાઉ પણ લોકસભાની ચૂંટણી વખતે મેં ટિકિટ માંગી હતી પરંતુ પાર્ટીએ તેમને તક આપી ન હતી. આજે હું ફરી મારો દાવો વ્યક્ત કરી રહ્યો છું. આ વખતે પણ જો મને ટિકિટ નહીં મળે તો હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશ, નિરાશ થઈશ નહીં...નીતિન ભજીયાવાલા(વરિષ્ઠ કાર્યકર્તા, ભાજપ, સુરત)
હું છેલ્લા ઘણા વર્ષોથી ભાજપને મજબૂત કરવા સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છું. મેં ભારતીય જનતા પાર્ટી માટે અનેક કાર્યો કર્યા છે. જો આ વખતે પાર્ટી તેમને તક નહીં આપે તો જે ઉમેદવાર હશે તેમને બમણી તાકાતથી જીતાડવા પ્રયાસ કરીશ...મુકેશ દલાલ(વરિષ્ઠ કાર્યકર્તા, ભાજપ, સુરત)
નિરીક્ષકોનું નિવેદનઃ સુરત આવેલા નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, 130થી વધુ લોકોએ તેમના મંતવ્યો આપ્યા છે. ઘણા લોકોએ બાયોડેટા પણ આપ્યા છે. હવે અમે તે બધાને સ્ક્રુટિની કરીને ગાંધીનગર સંસદીય બોર્ડમાં સબમિટ કરીશું. ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે કે કયો ઉમેદવાર બનાવવો કે નહી.