સુરતઃ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થતાં કોંગ્રેસે હાઈકોર્ટમાં આ અંગે પિટિશન કરવાનો ઈરાદો જાહેર કર્યો હતો. જોકે ઉમેદવારી રદ કરવા અંગે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પણ હજી સુધી કોંગ્રેસ હાઈકોર્ટ પહોંચી નથી. કોંગ્રેસ તરફથી જણાવવામાં આવ્યું છે કે, હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે પોતે નિલેશ કુંભાણી અમદાવાદ પહોંચી ચૂક્યા છે. એફિડેવિટ તૈયાર થયા બાદ તેઓ હાઇકોર્ટમાં પિટિશન કરશે.
કાયદાકીય લડતઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અને નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર નૈષધ દેસાઈએ જણાવ્યું હતું કે, આજે જે ઘટના સુરત લોકસભામાં બની છે તે નિંદનીય છે. આ લોકતંત્રની હત્યા છે. જે કોંગ્રેસ સાથે કરવામાં આવ્યું છે તે બદલ હાઈકોર્ટ જઈશું. આ ઘટનામાં અમે કાયદાકીય લડત લડીશું.
કોંગ્રેસ હાઈકમાન્ડ સસ્પેન્ડ કરશેઃ નૈષધ દેસાઈએ નિલેશ કુંભાણી મુદ્દે હાઈકમાન્ડનું વલણ સ્પષ્ટ કર્યુ હતું. તેમણે કહ્યું કે, નિલેશ કુંભાણી પોતાના ટેકેદારોને સંભાળવામાં નિષ્ફળ રહ્યા હતા. જો નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ નહિ કરે અને પિટિશન દાખલ નહીં કરે તો ચોક્કસથી કોંગ્રેસ હાઈકમાન્ડ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેશે. સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસના એક બાદ એક દાવ નિષ્ફળ ગયા છે. પહેલા પોતાના બંને ઉમેદવારોના ફોર્મ રદ થયા અને આખરે જ્યારે બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીના તેઓ સંપર્કમાં હતા ત્યારે ઉમેદવાર પણ સંપર્ક વિહોણા થઈ ગયા. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉમેદવાર નિલેશ કુંભાણી ઉપર આક્ષેપ કરી રહ્યા છે.