સુરતઃ લોકસભા ચૂંટણીની માટે કાઉન્ટડાઉન ની શરૂઆત થઈ ગઈ છે. કોઈ પણ પક્ષ પ્રચારમાં કોઈ કસર છોડવા માંગતો નથી. રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરે તે નવી વાત નથી, પરંતુ કોઈપણ પ્રકારના રાજકીય સંબંધ વિના એક વેપારી પક્ષનો પ્રચાર કરે તે આશ્ચર્યજનક છે. સુરતના આવા એક સાડીના વેપારી સાડીના બોક્ષમાં સાડી સાથે એક દુપટ્ટો એટલે કે ખેસ મુકે છે. જેના પર 'ફિર એક બાર મોદી સરકાર', 'મેં ભી મોદી કા પરિવાર' જેવા સુત્રો લખેલા છે.
દેશના અલગ અલગ રાજ્યો સુધી પહોંચઃ સુરતના આ મોદીના ચાહક વેપારી પાસેથી સાડીઓ દેશના અલગ અલગ રાજ્યોમાં પણ જાય છે. તેથી આ બોક્ષમાં મુકેલા મોદીનો પ્રચાર કરતા દુપટ્ટા પણ ગુજરાત બહાર જશે અને પ્રચારમાં પોતાની ભૂમિકા ભજવશે. સાડી સાથે બોક્ષમાં સુત્રો લખેલા દુપટ્ટા નિશુલ્ક મોકલવામાં આવી રહ્યા છે. આ દુપટ્ટાનો કોઈ અલગથી ચાર્જ કરવામાં આવી રહ્યો નથી. આ દુપટ્ટા પર 'ફિર એક બાર મોદી સરકાર', 'મેં ભી મોદી કા પરિવાર' જેવા સુત્રો લખેલા છે. વેપારી ગોવિંદ ગુપ્તાએ આવા 10,000થી પણ વધુ આવા દુપટ્ટા તૈયાર કરાવ્યા છે.
વડાપ્રધાનના ચાહક સુરતના વેપારી ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરવામાં આવી હતી કે તેમનો કોઈ પરિવાર નથી. આ ટીકાનો જવાબ આપવા માટે આ ખાસ દુપટ્ટા(ખેસ) તૈયાર કરાયા છે. જે સાડીઓ દ્વારા અલગ અલગ રાજ્યોમાં જશે. આશરે 10,000થી પણ વધુ આવા દુપટ્ટા સાડીઓ સાથે મોકલવાની અમે તૈયારીઓ કરી છે. જેથી ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરે.