રાજકોટઃ ભારતના વડાપ્રધાન, ગુજરાતના મુખ્યમંત્રી, ગુજરાત ભાજપના પ્રદેશ પક્ષ પ્રમુખ સહીતના મોટા નેતાઓએ રાજકોટથી અંતર જાળવવાનું જ વ્યાજબી સમજ્યું. કોઈ મોટા નેતા કે અભિનેતા પણ સ્ટાર-પ્રચારક તરીકે રાજકોટ આસપાસ ન ફરક્યા અને રૂપાલાને તેમનો પ્રચાર મોરચો એકેલ હાથે જ સંભાળવો પડ્યો. રાજકોટમાં ચૂંટણી દરમિયાન માત્ર વિદેશમંત્રી જયશંકર અને રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ બૌધિકોની બેઠકોમાં હાજરી આપવા આવ્યા. આ સિવાય કોઈ નેતા દેખાયા નહીં. આ કોઈ ચોક્કસ યોજનાનો હિસ્સો હતો કે ચોક્કાસ કારણવશ આ સંકલન કરવામાં આવ્યું હતું. તેનાં પર ભાજપનાં કાર્યકરો સહીત મોટા-ગજાના નેતાઓ મૌન સેવીને બેઠા છે.
લોકસભા ચૂંટણીની જાહેરાતઃ જોકે લોકસભા 2024ની ચૂંટણીમાં પરષોત્તમ રૂપાલાની ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર તરીકેની ઘોષણા સાથે જ શહેર ભાજપ કાર્યરત થઈ ચૂક્યું હતું, પણ જ્યારે ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીઓ 7-ચરણમાં ઘોષિત કરવામાં આવી તો ક્યાંક એ પ્રચાર-પ્રસારની ગતિ મંદ પડતી જોવા મળી હતી અને દિવસનાં પહેલા 7-8 ભરચક કાર્યક્રમોની સામે દિવસનાં 3-4 કાર્યક્રમોની યોજના ઘડવામાં આવી હતી.
રુપાલા વિવાદની શરુઆતઃ હોળી-ધુળેટીના તહેવારથી ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ તૂરી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયેલા ત્યારે કરેલા 'રોટી-બેટી'વાળા નિવેદનથી જે અગન-જ્વાળાઓ પ્રગટી તે આગની લપેટો માત્ર સૌરાષ્ટ્ર પૂરતી જ સીમિત ન રહીને સમગ્ર ગુજરાત અને ક્ષત્રિય બહુલવાળા ભારતનાં અનેક રાજ્યોમાં ફેલાઈ ગઈ. રાજકોટની ભારતીય જનતા પક્ષ માટેની પ્રાણ-પ્રતિષ્ઠાવાળી બેઠક ચર્ચાનાં કેન્દ્રસ્થાને આવી ગઈ. સમગ્ર રાજ્યમાં જ્યાં ચૂંટણીનું કોઈ માહોલ જ નહોતું સર્જાઈ રહ્યું તેવામાં રાજકોટ જે છે એ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈમાં 'આઈ ઓફ ધ સ્ટોર્મ'બની ગયું અને લોકસભાની 2024ની ચૂંટણીનું એપિસેન્ટર બની ગયું.
ધાનાણીની એન્ટ્રીઃ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં આંદોલનની વચ્ચે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીમાં માહોલ સ્પષ્ટ નહોતો થતો, એવામાં "જો રૂપાલા રાજકોટથી ફોર્મ ભરશે, તો હું રાજકોટથી ચૂંટણી લડીશ ..." આ અવાજ આવ્યો અમરેલીથી 22 વર્ષ પહેલા પરષોત્તમ રૂપાલાને એની જ હોમપીચ અમરેલી પર ભોંય ભેગા કરી દેનાર કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણી તરફથી અને પછી તો રાજકોટ અને સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસીઓએ જાન જોડીને પરેશને રાજકોટથી લડવા વિનંતી કરતા ઓપ્ટિક્સ બિલ્ડ કરવામાં આવ્યા.
ભાજપ સ્ટાર પ્રચારકોએ રાજકોટથી અંતર જાળવ્યુંઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનાં પડઘમ શાંત થઈ ગયા છે અને આવતીકાલ તા.7ના રોજ મતદાન થનાર છે પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છનાં ગેટવે સમાન શહરે 10-રાજકોટ લોકસભાની બેઠક ઉપર પ્રથમ વખત કોઈપણ મોટા નેતાની જાહેરસભા, રોડ શો કે પ્રચાર વગર જ ચૂંટણી પ્રચાર પુરો થયો છે. કોંગ્રેસમાં તો પ્રચારકોની સંખ્યા ભાજપની સરખામણીએ ઓછી છે તેવામાં પણ કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની જાહેર સભા ગોઠવાઈ હતી, જો કે, રાહુલ ગાંધી સાથે ખડગેને ફોર્મ ભરવા જવાનું થતાં આ સભામાં અને ત્યારબાદ યોજાયેલી પ્રેસ-કોન્ફ્રન્સમાં સંબોધવા ખરગે હાજર ન્હોતા રહી શક્યા અને તે દિવસે મુકુલ વાસનિક તેમજ શક્તિસિંહ ગોહિલે રાજકોટનો મોરચો સાંભળ્યો હતો, પરંતુ ભાજપમાં તો નેતાઓ અને પ્રચારકોની માતબર સંખ્યા હોવા છતાં ભાજપના નેતાઓ પ્રચારકોએ રાજકોટથી અંતર જાળવી રાખ્યું તે બાબત સુચક મનાય છે.
જમીની પ્રચાર ઓછોઃ રાજકોટની વાત કરીએ તો રાજકોટ ભાજપનો પ્રચાર જમીન ઉપર ઓછો અને સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં (મોબાઈલ અને ટેલિવિઝન સ્ક્રીન્સ) પર વધુ જોવા મળ્યો હતો. રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સતત ચર્ચામાં રહ્યાં. ગુજરાત બહારના રાજ્યોમાં હરવા ફરલા કે કામ ધંધા માટે જતાં ગુજરાતીઓને પણ અન્ય રાજ્યોમાં રાજકોટમાં શું થશે ?, રૂપાલાનું શું થશે ? તેવા સવાલો પુછાઈ રહ્યાં છે. રાજકોટમાં ભલે ભાજપના કોઈ નેતાઓ પ્રચારમાં આવ્યા નહીં આમ છતાં દેશભરમાં મીડિયામાં રાજકોટની બેઠક જ ચર્ચામાં રહી છે અને પરિણામ સુધી રાજકોટ જ ચર્ચામાં રહેશે.
રાજકોટ બેઠક હાઈપ્રોફાઈલ બની ગઈઃ ચૂંટણી જાહેર થઈ અને ભાજપની પ્રથમ યાદીમાં જ રાજકોટ બેઠક ઉપરથી કેન્દ્રીય મંત્રી અને કદાવર નેતા પરસોત્તમભાઈ રૂપાલાનું નામ જાહેર થઈ ગયું હતું,એ સમયે કોંગ્રેસ પાસે કોઈ ઉમેદવાર પણ ન હોવાથી રાજકોટમાં રૂપાલા ઐતિહાસીક લીડ મેળવશે તેવા અનુમાનો લાગતા હતા પરંતુ અનૌપચારિક કાર્યક્રમમાં જઈ ચડેલા રૂપાલા ઉત્સાહના અતિરેકમાં અજાણતા જ એવું બોલી ગયા કે, પાછળથી તેમણે ત્રણ ત્રણ વખત માપી માંગી છતાં વાત પાછી વળી નહીં અને કોંગ્રેસે મોકો જોઈને રૂપાલાના જ હમવત્તની પરેશ ધાનાણીને ટિકીટ આપી દેતા રાજકોટ બેઠક અચાનક જ હાઈપ્રોફાઈલ બની ગઈ અને એક તરફી મનાતી ચૂંટણીમાં આખુ ભાજપ દોડતું થઈ ગયું.
સતત ડેમેજ કંટ્રોલઃ વિવાદિત નિવેદન અંગે રૂપાલાએ માફી માંગવા છતાં ક્ષત્રિય સમાજે માફી ફગાવી તેની સામે મોરચો ખોલી દીધો અને ભાજપ પાસે રૂપાલાની ટિકીટ રદ કરવાની માંગણી કરી, શરૂઆતમાં ભાજપે આ મામલાને હળવાશથી લીધો અને સતત ડેમેજ કંટ્રોલ માટે પ્રયાસો કર્યા પરંતુ રૂપાાની ટિકીટ રદ કરી નહીં. આ પચી ક્ષત્રિય સમાજે સમગ્ર ગુજરાતમાં ભાજપ સામે મોરચો ખોલી દીધો પરંતુ રાજકોટ બેઠક સિવાયની બેઠકો ઉપર ભાજપના નેતાઓએ ચૂંટણી પ્રવાસ પ્રચાર જાહેરસભાઓ ચાલુ જ રાખ્યા જ્યારે વિવાદનું એ.પી.સેન્ટર બની ગયેલા રાજકોટથી ભાજપના નેતાઓ પ્રચારકોએ ઠેઠ સુધી અંતર જાળવી રાખ્યું.
ધાર્યા મુજબ પરિણામો ન આવે તો...: પ્રચાર પુરા થયો ત્યાં સુધી રૂપાલા સાથે રૂપાણી, કુંડારીયા, મોકરીયા, બોઘરા, ઉદય કાનગડ, રમેશભાઈ ટિલાળા, ડો.દર્શિતા શાહ, ભાનુબેન, મુકેશ દોશી, ધનસુખ ભંડેરી, જેવા સ્થાનિક નેતાઓ જ રહ્યાં.કદાચ ગુજરાતમાં ભાજપની ધારણા મુજબના પરિણામો નહીં આવે તો પરિણામો બાદ પણ રાજકોટની બેઠક જ ચર્ચાનું કેન્દ્ર બની શકે.
રાજકોટ ઈતિહાસમાં પ્રથમવારઃ રાજકોટના ઈતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે, આખી ચૂંટણી પુરી થઈ ગઈ છતાં એક પણ નેતાની નાની કે, મોટી જાહેરસભા યોજાઈ નથી. ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ પણ વ્યુહરચના બદલી જ્ઞાતિની બેઠકો, સ્નેહમિલનો અને ભોજન સમારંભો યોજી પ્રચાર પુરો કર્યો. જો કે, રૂપાલાએ અંત સુધી મેદાન છોડયું નહીં અને ભાજપના મોટા નેતાઓ રાજકોટ આવ્યા નહીં તેમ છતાં ક્ષત્રિય સમાજ અને હરિફ ઉમેદવાર ધાનાણીના તલવારની ધાર જેવા શેરો-શાયરીઓના ટેન્શન વચ્ચે પણ મક્કમતા પૂર્વક પ્રચાર કાર્ય ચાલુ રાખ્યું. સ્થાનિક ભાજપમાં ‘કોણ સાથે છે અને કોણ સાથે રહીને સામે છે’ તે પણ જોયુ નહીં.
ધાનાણી કેરમ રમ્યાઃ બીજી તરફ પરેશ ધાનાણી કેરમ બોર્ડ પર હાથ અજમાવતા જોવા મળ્યા હતા, ક્રિકેટની રમતમાં ધૂઆંધાર બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ કરતા પણ જોવા મળ્યા હતા, ગાડું હંકાર્યું અને છકડો રીક્ષાઓ પણ દોરડેથી પુરી તાકાત સાથે ચાલુ કરતા જોવા મળ્યા હતા, ધાર્મિક મંદિરોએ દર્શન કરવા ગયા, વિસ્તાર પ્રમાણે સભાઓ સંબોધી અને બાઈક રેલીઓ પણ કાઢી, બૌધિકો સાથે ઈન્ડિયા ગઠબંધનનનાં કાર્યકરો સાથે વાર્તાલાપ તો ક્યાંક ક્ષત્રાણીઓ સાથે રક્ષા બંધાવતા અને જવ-તલિયા ભાઈ તરીકે આશ્વાશન પણ આપતા જોવા મળ્યા હતા.
રાષ્ટ્રીય મુદ્દાઓઃ બન્ને નેતાઓનો પ્રચાર મહદંશે રાષ્ટ્રીય મુદાઓ આસપાસ જ છવાયેલો રહ્યો છે, જેમાં પરષોત્તમ રૂપાલાએ રામ મંદિર, કલમ 370નો અનુચ્છેદ, ભારતીય જનતા પક્ષનાં કેન્દ્રનાં દસ વર્ષનાં શાશનકાળ દરમ્યાન વિકાસ-પ્રગતિના દાવાઓ અને વિકસિત ભારતની બ્લ્યુપ્રિન્ટ મુદ્દે જ તેમનો પ્રચાર-પ્રસાર રહ્યો હતો, જ્યારે પરેશ ધાનાણીનાં પ્રચાર-પ્રસારને જન-સ્વાભિમાનનું આવરણ એટલે ઓઢાડવામાં આવ્યું હતું કે પરેશ ધાણાની બંધારણીય અધિકારો, સત્તાનો દુરુપયોગ, શિક્ષણ, રોજગારી, મોંઘવારી, ભ્રસ્ટાચારને લઈને પોતાનાં ભાષણો આગવી શૈલીમાં ઠબકારતા જોવા મળ્યા હતા.
સસ્પેન્સ યથાવતઃ પ્રચાર હવે પૂરો થયો છે, ચૂંટણી પ્રચારનાં પડઘમ શાંત પડી ગયા છે, આવતીકાલે મતદાન છે અને તા.4 જુને પરિણામ આવશે, ત્યાં સુધી સસ્પેન્સ યથાવત રહેશે. પરંતુ આ વખતે રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી અનોખી રહી છે. મતદારોને મોટાનેતાઓની જાહેરસભાઓ કે, રોડ શોનો લ્હાવો મળ્યો નથી, આમ છતાં મતદારો ઉત્સાહપૂર્વક પોતાનો મત આપે તે જરૂરી છે. મોટા નેતાઓના પ્રચાર વગર પણ ભારે મતદાન થઇ શકે છે તેવો દાખલો રાજકોટ લોકસભા બેઠકના મતદારોએ બેસાડવાનો છે.
શું કહે છે પોલિટિકલ પંડિતો?: રાજકોટ લોકસભાની બેઠક ઉપર ભારતીય જનતા પક્ષનાં ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજે તીવ્ર લડાઈ છેડી છે અને રૂપાલાને હરાવવા ક્ષત્રિય સમાજ અને અઢારે વર્ણ એક થઈને કચ્છનાં વાગડ વિસ્તારથી લઈને શહેરી ક્ષેત્રોમાં ઝનુન સાથે કામે લાગ્યા છે. રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવવા માટે ભાજપની જ પેજ-પ્રમુખની રણનીતિ તેની સામે જ ઉગામવાનાં અખબારી અહેવાલો વહેતા થયા છે ત્યારે 10-રાજકોટ લોકસભાની બેઠક પરની રાજ્કીય લડાઈમાં લેઉવા પાટીદાર પટેલો અને કોળી જ્ઞાતિનાં માટે નિર્ણાયક રહેશે તેવું રાજકીય વિશ્લેષકો અને પોલિટિકલ પંડિતોનું માનવું છે.
કનુ દેસાઈ કોન્ટ્રોવર્સીઃ રાજકોટ બેઠક પર અંદાજે કુલ 21 લાખ મતદાતાઓ છે જેમાંથી લેઉઆ પટેલો અને કોળી મતદાતાઓની સંખ્યા 30% આસપાસ છે, એટલે આ બેઠક પર લેઉઆ અને કોળી મતદાતાઓ નિર્ણાયક ભૂમિકામાં જોવા મળશે. રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનો જુવાળ તો કેન્દ્ર-સ્થાને છે જ એવામાં બળતામાં ઘી હોમવા જેવું ભાજપનાં મંત્રી કનુ દેસાઈનું કોળીઓ માટેનું આપવામાં આવેલું વિવાદાસ્પદ નિવેદન અત્યારે સૌરાષ્ટ્રમાં ચિત્ર બદલવામાં ઉદ્વિપકનું કામ કરે તો નવાઈ નહીં.