સુરતઃ લોકસભા ચૂંટણી તારીખોની જાહેરાત થઈ ચૂકી છે. પક્ષો અને ઉમેદવારો દ્વારા પ્રચાર પણ શરુ કરી દેવામાં આવ્યો છે. સુરતમાં પોરબંદર લોકસભા મત વિસ્તારના રહીશો કે જેઓ સુરત શહેરમાં રહેતા હોય તેમનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં ભાજપના પોરબંદરના ઉમેદવાર ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહ મિલન સમારોહમાં મનસુખ માંડવિયા ઉપરાંત ભાજપના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા.
વહેલી સવારથી જ મતદાનની અપીલઃ સુરતમાં યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં મનસુખ માંડવિયાએ મતદારોને ખાસ અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, મતદાનના દિવસે મતદારો પોતાના વતન જઈને મતદાન કરે. તેમજ અન્ય મતદાતાઓને પણ વહેલી સવારથી જ મતદાન કરવા અપીલ કરે. જો 12 વાગ્યા પહેલા ગામમાં 80થી 85 ટકા મતદાન કરાવી દેશો તો બીજેપી જીતી જશે. એનડીએ 400 પ્લસ સાથે જંગી બહુમત મેળવશે. તેમજ નરેન્દ્ર મોદી 3જી વાર સ્પષ્ટ બહુમતી સાથે ભારતના પ્રધાનમંત્રી તરીકે શપથ લેશે.
મતદાનને પોતાનું કર્તવ્ય સમજોઃ પોરબંદર લોકસભા બેઠકના સુરતમાં રહેતા મતદારો માટે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ મતદારોને મતદાનને પોતાનું કર્તવ્ય સમજવા હાકલ કરી હતી. તેમણે જણાવ્યું કે, મતદારો મતદાનને પોતાનું કર્તવ્ય સમજીને સ્વખર્ચે પોતાના માદરે વતન જઈને મત આપે. તેટલું જ નહિ પરંતુ અન્ય મતદાતાઓને પણ મત અપાવવામાં તમારૂ યોગદાન આપજો. આ સ્નેહ મિલન સમારોહમાં મનસુખ માંડવિયા ઉપરાંત ભાજપના અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોટી સંખ્યામાં મતદારો હાજર રહ્યા હતા.