રાજકોટઃ 5મેના રોજ રવિવારે ભાજપ દ્વારા 'ક્ષમા વિરસ્ય ભૂષણમ્'ના ક્ષાત્રધર્મને સાર્થક કરી ક્ષત્રિય સમાજ ભાજપાને સમર્થન આપી ઉદારતા દાખવે શીર્ષકવાળી પ્રેસનોટ જાહેર કરવામાં આવી હતી. આ પ્રેસનોટ 6મેના રોજ ગુજરાતી અખબારોમાં જાહેરાત સ્વરૂપે જોવા મળી. ક્ષત્રિય સંકલન સમિતિનાં હોદેદારો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી અને રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીએ આ જાહેરાત સંદર્ભે પીપલ્સ રીપ્રેઝેન્ટેશન એક્ટ હેઠળ ચૂંટણીની આચાર સંહિતાના ઉલ્લંઘનને લઈને એક લેખિત ફરિયાદ કરી છે. સમિતિએ ઈ-મેઈલ દ્વારા ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી છે.
આચાર સંહિતા ભંગની ફરિયાદઃ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની લડાઈમાં હવે છેલ્લો પડાવ મતદાનનો આવી ગયો છે. આ આંદોલન ત્રિશંકુ આકાર ધારણ કરીને બેઠું છે. જેમાં ગાંધીજીનાં અસહકારની ભાવના, બૌદ્ધિક લડાઈ અને ધર્મયુદ્ધ આ ત્રણેય મોરચે ક્ષત્રિયો તેમના આગવા આયોજન સાથે રાજકોટ ખાતે મોરચો ખોલીને બેઠા છે. ક્ષત્રિય સંકલન સમિતિનાં મોટાભાગનાં વરિષ્ઠ હોદેદારો છેલ્લી મિનિટે પણ આ રાજકીય રણમેદાનમાં સૈદ્ધાંતિક રીતે એક-એક રન મારીને જાણે લગાન જેવી ક્રિકેટ મેચ રમી રહ્યા હોય તેવી તૈયારીઓ સાથે કાર્યરત જોવા મળ્યા છે. આજે આ ભાજપની પ્રેસનોટને જાહેરાત રૂપે પ્રકાશિત કરવા મુદ્દે કરવામાં આવેલી ચૂંટણીલક્ષી આચાર-સંહિતાની ભંગની ફરિયાદ એ ક્ષત્રિયોની બૌદ્ધિક-યુદ્ધની યોજનાનું ઉદાહરણ છે. આ અગાઉ પણ રાજકોટ શહેરમાં ભાજપ, રૂપાલા અને મોદીના લાગેલા 175 હોર્ડિંગ્સ મુદ્દે 41 જેટલી ચૂંટણીલક્ષી આચાર-સંહિતાની ભંગની ફરિયાદો તંત્રને સીવીજીલ થકી કરવામાં આવી હતી. અયોગ્ય રીતે ચૂંટણીની આચારસંહિતાનો ભંગ કરતા હોર્ડિંગ્સ હટાવવા પડયા હતા.
ચૂંટણીને લાગ્યો કસુંબીનો રંગઃ ક્ષત્રિય સંકલન સમિતિનાં વરિષ્ઠ હોદેદારો આજે જ્યારે રાજકોટ ખાતે ખેમો ખોલીને બેઠા છે ત્યારે રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં આ આંદોલને હવે ભાજપ વિરુદ્ધનું આંદોલનનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. જ્યાં 60-70 કિલોમીટર સુધી માણસજાતનાં પણ ભાગ્યેજ દર્શન થાય એવા કચ્છનાં વાગડ વિસ્તારથી લઈને ઠેર-ઠેર ગ્રામ સભાઓ અને શહેરી વિસ્તારોમાં પણ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ તેમજ સભાઓ અને લોકસંપર્ક કાર્યક્રમ ન થવા દેવા સુધીની શાંતિપૂર્ણ લડતે એ સાબિત કરી દીધું છે કે આ વખતે ગુજરાતની 25 બેઠકો પર થનારી ચૂંટણીઓને ખરેખર કસુંબીનો રંગ લાગ્યો છે. જેમાં આ રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનું આંદોલન ક્યાં કમળને ખીલાવશે અને ક્યાં કમળને કરમાવશે એ 7મી મેના રોજ થનારા મતદાન અને ત્યારબાદ 4થી જૂનના રોજ આવનારા પરિણામો જ દર્શાવશે, જેનાં પર સહુ કોઈની નજર છે.