જૂનાગઢ: સંત, સુરા અને સાવજની ભૂમિ પર પાછલા એક દસકાથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપનો ભોગવો લહેરાય છે. તેની પાછળનું સૌથી મોટું અને એકમાત્ર કારણ જૂનાગઢ લોકસભા બેઠકમાં કોળી મતદારોનો દબદબો હોવાને કારણે ભાજપના વર્ચસ્વની વચ્ચે જૂનાગઢ લોકસભા બેઠક જીતવામાં ભાજપ સફળ બનતું આવ્યું છે પરંતુ આ વર્ષની લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બદલવાની સાથે જૂનાગઢ બેઠક પર ચોક્કસ જ્ઞાતિનું પ્રભુત્વ મતદારોના રૂપમાં નહીં પરંતુ ઉમેદવારના રૂપમાં ઓછું થાય તે પ્રકારે ઉમેદવારની પસંદગી થશે.
જૂનાગઢ લોકસભા બેઠકનો મિજાજ
સૌરાષ્ટ્રમાં મહત્વની ગણાતી જૂનાગઢ અને પોરબંદર લોકસભા બેઠકને સાંકળતી જૂનાગઢ લોકસભા બેઠક અત્યાર સુધીના ઇતિહાસમાં તમામ રાજકીય પક્ષો માટે મહત્વની બેઠક માનવામાં આવે છે. સંત, સુરા અને સાવજની ભૂમિ ગણાતી જૂનાગઢની લોકસભા બેઠક જ્ઞાતિ જાતિના સમીકરણને લઈને પણ આટલી જ મહત્વની બની રહે છે. પાછલા એક દસકાથી જૂનાગઢ લોકસભા બેઠક જીતવામાં ભાજપ સફળ રહ્યું છે. જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી મતદારોના પ્રભુત્વને કારણે દસ વર્ષથી ભાજપના રાજેશ ચુડાસમા કોળી જ્ઞાતિનું પ્રતિનિધિત્વ કરવાની સાથે ભાજપના ઉમેદવાર બન્યા છે જેના કારણે તેઓ પાછલા દસ વર્ષથી જૂનાગઢ લોકસભાના સાંસદ તરીકે કામ કરી રહ્યા છે.
કોળી જ્ઞાતિનો દબદબો
જૂનાગઢ લોકસભા બેઠકમાં જિલ્લાની જૂનાગઢ, વિસાવદર અને માંગરોળ તેમજ સોમનાથ જિલ્લાની સોમનાથ તાલાલા, ઉના અને કોડીનાર આ સાત બેઠક મળીને લોકસભા બેઠક બને છે. જેમાં માંગરોળ, ઉના, સોમનાથ, તાલાલા અને કોડીનાર બેઠક પર કોળી જ્ઞાતિના મતદારો આજે પણ બહુમતીમાં છે. તો જૂનાગઢની જૂનાગઢ અને વિસાવદર બેઠક પર પાટીદાર મતદારો બહુમતીમાં જોવા મળે છે પરંતુ ચૂંટણીમાં ઉમેદવાર અને જ્ઞાતિ જાતિનું સમીકરણ કોળી જ્ઞાતિના મતદારો અને ઉમેદવારો માટે એકદમ ફીટ બેસતું હોય તે પ્રકારે પાછલા દસ વર્ષથી ભાજપ અને કોંગ્રેસ કોળી જ્ઞાતિના વ્યક્તિને તેમના ઉમેદવાર બનાવી રહ્યા છે જેમાં ભાજપનો ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ રહે છે.
જૂનાગઢ બેઠકનો ઇતિહાસ
પાછલા દસ વર્ષથી જૂનાગઢ બેઠક પરથી કોળી આગેવાન સાંસદ બનવામાં સફળ રહ્યા છે પરંતુ આ પૂર્વેનો ઇતિહાસ જોવામાં આવે તો જૂનાગઢ બેઠક પરથી કારડીયા આહીર પાટીદાર ઉમેદવારો લોકસભાના સભ્ય બનવામાં સફળ રહ્યા છે. અત્યાર સુધી સૌથી વધુ વખત પાટીદાર ઉમેદવારો લોકસભામાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે જેમા ભાવનાબેન ચીખલીયા મો લા પટેલ ગોવિંદ શેખડા નાનજીભાઈ વેકરીયા જશુભાઈ બારડ દિનુભાઈ સોલંકી આ એવા નામો છે કે જે જૂનાગઢના સાંસદ રહી ચૂક્યા છે તે પૈકીના એક માત્ર દિનુભાઈ સોલંકી આજે હયાત છે.
વર્ષ 2014 થી સમીકરણ બદલાયું
વર્ષ 2014માં પ્રથમ વખત ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવાર તરીકે કોળી જ્ઞાતિના અગ્રણી પુંજાભાઈ વંશ અને રાજેશ ચુડાસમાને ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા જેમાં ભાજપના ઉમેદવાર તરીકે પાછલી બે ચૂંટણીથી રાજેશ ચુડાસમા જૂનાગઢ બેઠક પરથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. આ વખતે તેમની હેટ્રિકને લઈને તેઓ ખુદ આસ્વસ્થ નથી આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ તેમના ઉમેદવાર બદલવાની સાથે જ્ઞાતિ અને જાતિ નું સમીકરણ પણ બદલીને લોકસભાની જૂનાગઢ બેઠક જીતવા માટેના પ્રયાસો અત્યારથી જ શરૂ કર્યા છે.
જૂનાગઢ લોકસભા બેઠક પર નિર્ણાયક મતદારો તરીકે કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે તેની સાથે લઘુમતી મતદારો પણ આટલા જ મહત્વના છે. જૂનાગઢ બેઠક પર અત્યાર સુધીના ઇતિહાસમાં લઘુમતી અને કોળી મતદારોનું વિભાજન કોઈ એક પક્ષના ઉમેદવારને જીતવા માટે સરળતા ઊભી કરે છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોળી અને મુસ્લિમ મતોનો વિભાજન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ચૂંટણી હરાવવામાં મહત્વનું બન્યું છે.
વિપક્ષમાં થયું ગઠબંધન
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે જેને કારણે ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક 'આપ'ને ફાળે ગઈ છે ત્યારે હવે લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની બાકી રહેતી 24 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસનો સીધો જંગ ખેલાશે તે પણ સુનિશ્ચિત બન્યું છે. આવી પરિસ્થિતિમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન જે રીતે બહુમતી ગણાતા કોળી અને લઘુમતી મતોનુ વિભાજન થયું છે જેનો સીધો ફાયદો સતાધારી પક્ષ ભાજપને થયો છે તેને કારણે ગઠબંધન થતા હવે લોકસભાની ચૂંટણીમાં કોળી અને લઘુમતી મતોનું વિભાજન થતું અટકશે જેને કારણે જૂનાગઢ લોકસભા બેઠક જીતવી કોઈ પણ રાજકીય પક્ષ માટે એકદમ સરળ નહીં હોય.