હૈદરાબાદ: સંધ્યા થિયેટરની બહાર નાસભાગમાં મહિલાના મૃત્યુની ઘટનાને પગલે ગઈ કાલે 22 ડિસેમ્બરના રોજ તેલુગુ એક્ટર અલ્લુ અર્જુનના જ્યુબિલી હિલ્સ સ્થિત આવાસના પરિસરમાં વિરોધીઓ ગેરકાયદે ઘૂસી ગયા હતા અને તોડફોડ કરી હતી. હૈદરાબાદ પોલીસે આ કેસમાં ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટી (OUJAC)ના કેટલાક સભ્યોની ધરપકડ કરી છે.
વિરોધીઓ બાઉન્ડ્રી વોલ પર ચઢીને પરિસરમાં ઘૂસી ગયા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટીના સભ્યોનું એક જૂથ રવિવારે જુબિલી હિલ્સમાં અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કરી રહ્યું હતું. આ દરમિયાન કેટલાક વિરોધીઓ બાઉન્ડ્રી વોલ પર ચઢીને પરિસરમાં ઘૂસી ગયા હતા અને ફૂલના કુંડા અને અન્ય વસ્તુઓ તોડી નાખી હતી. નિવાસસ્થાન પર ટામેટાં અને પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. જેના કારણે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. કેટલાક વિરોધ કરનારાઓએ ઘરમાં ઘૂસવાનો પણ પ્રયાસ કર્યો હતો.
Six members of the Osmania University Joint Action Committee (OU-JAC) pelted stones at actor Allu Arjun's residence, held placards and staged a protest. However, we have not received any complaint from Allu Arjun's family. Further details awaited: Jubilee Hills Police
— ANI (@ANI) December 22, 2024
આ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વિરોધ કરનારાઓને કસ્ટડીમાં લીધા હતા. તમને જણાવી દઈએ કે, પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અભિનેતાના ઘરે મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.
5 લાખની માંગ: વિરોધીઓએ અભિનેતા અલ્લુ અર્જુન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મ 'પુષ્પા 2' ના સ્ક્રીનિંગ દરમિયાન હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં નાસભાગમાં મૃત્યુ પામેલી મહિલા માટે ન્યાયની માંગ કરી હતી. વિદ્યાર્થી સંઘના સભ્યોએ કહ્યું કે, 'રેવતીના મૃત્યુ માટે અલ્લુ અર્જુન જવાબદાર છે.' તેમણે રેવતીના પરિવારને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની માંગ કરી હતી.
ઘટના સમયે અલ્લુ અર્જુન ઘરે ન હતો: રિપોર્ટ અનુસાર જાણવા મળે છે કે, ઘટના સમયે અલ્લુ અર્જુન ઘરે ન હતો. માહિતી મળ્યા બાદ તેના કાકા ચંદ્રશેખર રેડ્ડી ત્યાં પહોંચ્યા અને ઘટનાની માહિતી લીધી. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાના સુરક્ષાકર્મીઓ આ ઘટના અંગે જ્યુબિલી હિલ્સ પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે.
ડીસીપીએ સમગ્ર મામલે જણાવતા કહ્યું કે, '22 ડિસેમ્બરે સાંજે લગભગ 4.45 વાગ્યે, કેટલાક લોકો અચાનક જ્યુબિલી હિલ્સ સ્થિત અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. તેમાંથી એકે તેના ઘરના પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તે તેમના ઘરની દિવાલ પર ચઢી ગયો અને ટામેટાં ફેંકવા લાગ્યો. જ્યારે સિક્યોરિટી સ્ટાફે વિરોધ કર્યો અને વ્યક્તિને દિવાલ પરથી નીચે આવવા કહ્યું તો તેણે તેમની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. તે દિવાલ પરથી નીચે આવ્યો અને સુરક્ષા કર્મચારીઓ સાથે ઝપાઝપી કરવા લાગ્યો. આટલું જ નહીં, રેમ્પની બાજુમાં રાખવામાં આવેલા કેટલાક ફ્લાવર પોટ્સને નુકસાન થયું હતું.'
અધિકારીએ કહ્યું, 'સૂચના મળતા જ જ્યુબિલી હિલ્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને 6 લોકોને કસ્ટડીમાં લીધા હતા. તે બધા OUJAC નો ભાગ હોવાનો દાવો કરે છે.'
અભિનેતા કોઈ ફરિયાદ નોંધાવી નથી: જાણવા જેવી બાબત એ છે કે, જ્યુબિલી હિલ્સ પોલીસના જણાવ્યા અનુસાર, OUJAC ના સભ્યોએ રવિવારે અલ્લુ અર્જુનના ઘરની બહાર વિરોધ કર્યો હતો અને પ્લેકાર્ડ લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે, અભિનેતા કે તેના પરિવારે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાવી નથી.
આ પણ વાંચો: