કચ્છઃ ગુજરાતમાં દરેક રાજકીય પક્ષ અત્યારે ચૂંટણી પ્રચારમાં રમમાણ છે. પ્રચારની વિવિધ સ્ટ્રેટેજી પણ પક્ષો અને ઉમેદવારો અપનાવી રહ્યા છે. કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે ડોર ટુ ડોર પ્રચારની રણનીતિ અપનાવી છે.
ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારઃ કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા આજે ભુજ શહેરના મુખ્ય બજારમાં વેપારીઓની દુકાને દુકાને તેમજ વાહન ચાલકો રસ્તે જતા રાહદારીઓ વગેરેને પ્રચાર પ્રસારના ભાગરૂપે સંપર્ક કર્યો હતો. આ સંપર્કમાં તેમણે 7મી મેના યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મત આપીને વિજેતા બનાવવા માટે અપીલ કરી હતી. સાથે સાથે નિતેશ લાલણે પોતાના પરિચય પત્રક તેમજ કોંગ્રેસના મેનીફેસ્ટોનું વિતરણ કર્યુ હતું.
ભાજપ પર આકરા વાકપ્રહારઃ ડોર ટુ ડોર પ્રચાર-પ્રસાર કરી રહેલા નિતેશ લાલણે જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિ મંડળ અને ઈન્ડિયા અલાયન્સના કાર્યકર્તાઓ સાથે આજે હું ડોર ટુ ડોર કેમ્પિંગમાં નીકળ્યો છું. અમને આ પ્રચારમાં જાણવા મળ્યું છે કે, ભાજપ સરકારના અણધડ વહીવટ અને કુનીતિઓથી વેપારીઓ ખૂબ પરેશાન છે અને ત્રાહીમામ પોકારી ગયા છે. જ્યારથી આ બેઠક પર ઉમેદવાર તરીકે મારુ નામ જાહેર થયું છે ત્યારથી હું સતત પ્રજા વચ્ચે છું. આ વખતે પ્રજા પરિવર્તનના મૂડમાં છે. ઘણા ગામોમાં તો ભાજપના લોકો અને ઉમેદવારને પ્રવેશ પર પાબંદી લગાડી દીધી છે કારણ કે તેમના દ્વારા કરેલા ભ્રષ્ટાચારથી પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે અને જ્યારે અમે જાઈએ છીએ ત્યારે અમારુ સ્વાગત ઢોલ નગારાથી ઉમળકાભેર કરાય છે.
કચ્છ પંથકની સમસ્યાઓઃ કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિતેશ લાલણ ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, મને ડોર ટુ ડોર પ્રચારમાં કચ્છ પંથકની અનેક સમસ્યાઓ જાણવા મળે છે. જેમાં રોડ રસ્તા, ડ્રેનેજ, શિક્ષણ, આરોગ્ય, નર્મદા કેનાલ, પેટાકેનાલ વગેરે મુખ્ય છે. આ બધી સમસ્યા ભાજપના અણઘડ વહીવટનું પરિણામ છે.
આ વર્ષે પરિવર્તનકારી પરિણામઃ નિતેશ લાલણે જણાવ્યું હતું કે, ભાજપની અણધડ નીતિ પ્રત્યે પ્રજા હવે જાગૃત બની છે અને ભાજપને જાકારો આપશે. આ વખતે કચ્છ લોકસભા ઈતિહાસમાં ક્યારે ન જોયું હોય તેવું ઐતિહાસિક પરિણામ આવશે. જેમાં ખૂબ મોટા માર્જીનથી કોંગ્રેસ આ લોકસભા બેઠક જીતશે એમાં કોઈ શંકાને સ્થાન નથી.
કોંગ્રેસનો મેનીફેસ્ટોઃ નિતેશ લાલણ જે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે તેમાં તેઓ પોતાનું પરિચય પત્રક અને કોંગ્રેસ મેનીફેસ્ટો જનતા સમક્ષ રજૂ કરી રહ્યા છે. કોંગ્રેસના મેનિફેસ્ટો વિશે તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે વિવિધ ન્યાયના મુદ્દાઓને મેનીફેસ્ટોમાં સમાવી પ્રજા વચ્ચે જઈ રહી છે. સૌથી પહેલો જ મુદ્દો છે કે કોંગ્રેસ પક્ષની સરકાર બનતા જ તમામ ખેડૂતોના માથે જે દેવું છે એને માફ કરી દેવામાં આવશે. સાથે સાથે જે મહિલા સન્માનની વાત કરી છે એનામાં ગરીબ મધ્યમ વર્ગની વડીલ પ્રત્યેક મહિલાને એક લાખ રૂપિયા વર્ષમાં કોંગ્રેસ પક્ષની સરકાર સીધા એમના એકાઉન્ટમાં આપશે. યુવાઓને રોજગાર માટે 5000 કરોડનું બજેટ ફાળવી અને યુવાનોને પ્રોત્સાહન આપવાનું કાર્ય કોંગ્રેસ પક્ષની સરકાર કરશે. જે આંગણવાડી આશા વર્કરના બહેનો છે તે તમામ બહેનોને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ એમને પગાર ચૂકવવામાં આવશે. કોંગ્રેસ પક્ષનો જે મેનીફેસ્ટો છે એ આઝાદ ભારતમાં સૌથી સારામાં સારો અને લોકહિતનો પ્રજાહિતનો આ મેનીફેસ્ટો છે. આ વખતે પ્રજા ભાજપને જાકારો આપશે અને કોંગ્રેસને સહયોગ આપશે એવો પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે.