રાજકોટઃ રાજ્યસભાની મુદ્દત પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલાને રાજ્યસભામાં મોકલવામાં આવ્યા ન હતા. ત્યારથી અનુમાન લગાવવામાં આવતું હતું કે પરસોતમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડશે પરંતુ બેઠકને લઈને અનિશ્ચિતતા જોવા મળતી હતી. આ અનિશ્ચિતતાનો અંત આવ્યો હતો. કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા રાજકોટ બેઠક પરથી વર્તમાન કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણની સાથે પંચાયતી રાજ્ય પ્રધાન પરસોતમ રૂપાલાને ઉમેદવાર બનાવ્યા છે.
પ્રાથમિક માહિતીઃ 1લી ઓક્ટોબર 1954ના રોજ અમરેલીના ઈશ્વરીયા ગામમાં પરસોતમ રૂપાલાનો જન્મ થયો હતો. બીએસસી બીએડનો અભ્યાસ કરીને અમરેલીની ગાંધી કન્યા શાળામાંથી પરસોતમ રૂપાલાએ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. કન્યા શાળામાં પુરુષ શિક્ષક ન હોઈ શકે આવા વિવાદ સર્જાતા રૂપાલાએ કન્યા શાળાના પ્રિન્સિપાલ તરીકે રાજીનામુ આપીને રાજકારણમાં જોડાયા. પરસોત્તમ રૂપાલા રમતગમત, લોકસાહિત્ય, પ્રવાસ અને વાંચનનો પણ શોખ ધરાવે છે. રૂપાલા તેમના કોલેજ કાળ દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કબ્બડી ટીમના સભ્ય તરીકે પણ સામેલ થયા હતા.
રોમાંચક રાજકીય સફરઃ પરસોતમ રૂપાલા વર્ષ 1988થી 1991 સુધી અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. વર્ષ 1992 સુધી તેમણે પ્રદેશ ભાજપના મંત્રી તરીકે પણ કામ કર્યુ છે. 1996થી 1997સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય સંકલન સમિતિના સભ્ય તરીકે પણ કામ કરવાનો અનુભવ ધરાવે છે. 2005 થી 2006 સુધી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને પ્રવક્તા તરીકે પણ તેમણે કામ કર્યુ છે. પરસોતમ રૂપાલા 26/10/2006 થી 31/01/ 2010 સુધી ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે કામ કરી ચૂક્યા છે. 16 માર્ચ 2010 થી લઈને 2016સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ પણ રહ્યા છે. આ સિવાય રૂપાલાએ કિસાન મોરચાના રાષ્ટ્રીય પ્રભારી, આંધ્રપ્રદેશ અને ગોવાના પ્રભારી તરીકે પણ ફરજ અદા કરી છે. પરષોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીના આજીવન સભ્ય પણ છે.
રૂપાલાની સંસદીય કારકિર્દીઃ પરસોતમ રૂપાલા વર્ષ 1991 થી 1995, 1995 થી 1997 અને 1998 થી 2002 સુધી અમરેલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. 19 માર્ચ 1995થી 20 ઓક્ટોબર 1996 સુધી રૂપાલાએ રાજ્ય સરકારમાં નર્મદા વિકાસ જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગ અને 7મી ઓક્ટોબર 2001થી 21મી ડિસેમ્બર 2002 સુધી કૃષિ વિભાગનો હવાલો પણ સંભાળ્યો હતો. આ સિવાય તેઓ વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના સભ્ય તરીકે પણ તેમણે કામ કર્યુ છે. 1998થી 2001 સુધી રૂપાલા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના ચેરમેન તરીકે પણ કામ કરવાનો અનુભવ ધરાવે છે. પરસોત્તમ રૂપાલા 10મી એપ્રિલ 2008થી લઈને 9મી એપ્રિલ 2014 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ સમયગાળા દરમિયાન તેઓ વિવિધ સંસદીય સમિતિના સભ્ય તરીકે પણ ફરજ પરસ્તી કરી ચૂક્યા છે. પરસોતમ રૂપાલા 3જી જૂન 2016થી આજદીન સુધી રાજ્યસભાના સભ્યની સાથે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના કૃષિ ખેડૂત કલ્યાણ અને પંચાયતી રાજ વિભાગના પ્રધાન તરીકે કામગીરી કરી રહ્યા છે.
રાજકોટમાં જૂથવાદને ડામવા માસ્ટર સ્ટ્રોકઃ રાજકોટના વર્તમાન સાંસદ મોહન કુંડારિયા તેમની સતત 2જી ટર્મ પૂર્ણ કરી રહ્યા છે. 3જી ટર્મ માટે રાજકોટ લોકસભા બેઠક માટે પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણીની સાથે ડૉ.ભરત બોઘરા ખુદ મોહનભાઈ કુંડારિયાની સાથે અનેક દાવેદારો ચૂંટણી જંગમાં હતા. પાછલા કેટલાક સમયથી રાજકોટ ભાજપમાં પૂર્વ મુખ્યપ્રધાન રૂપાણી અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની સાથે 2થી 3 અલગ જૂથ ઊભા થયા છે. આ જૂથવાદને ટાળવા તેમજ કેન્દ્રીય નેતાને રાજકોટ લોકસભા બેઠક ફાળવીને રાજકોટ સ્થાનિક ભાજપમાં જે ખેંચતાણ ચાલી રહી છે તેના પર પૂર્ણવિરામ મૂકવા માટે પણ કેન્દ્રીય નેતૃત્વએ પરસોતમ રૂપાલાને રાજકોટ માંથી ઉમેદવાર બનાવ્યા છે.
જે નગરમાંથી પીએમ મોદી લડ્યા હોય તે નગરમાંથી મને ચૂંટણી લડવાની તક મળીઃ રૂપાલા
લોકસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે. એવામાં ભાજપ દ્વારા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટિકિટ ફાળવવામાં આવી છે. જ્યારે પુરુષોત્તમ રૂપાલા કડવા પાટીદાર અગ્રણી છે અને હવે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી તેમને ચૂંટણી કડવા માટેની ટીકીટ આપવામાં આવી છે. ત્યારે ટિકિટ મળવાને લઈને પુરુષોત્તમ રૂપાલાએ ભાજપના હાઇકમાન્ડો આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ તેઓ રાજકોટથી તાત્કાલિક દિલ્હી જવા રવાના થયા હતા.
રાજકોટમાં પાર્ટીનું ઘણું કામ કર્યુ છેઃ રૂપાલા
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર ગણાય છે. ભારતીય જનતા પાર્ટીમાં નાના કાર્યકર્તા તરીકે અમારે અમરેલી જિલ્લામાંથી રાજકોટમા મિટિંગ માટે આવવાનું શરૂ કર્યું હતું. જે દરમિયાન ચીમન કાકા, કેશુભાઈ પટેલ સહિતના નેતાઓને મળવાનું થતું હતું. જેમને મળીને અમે તેમની પાસેથી પાર્ટીનું કામ શીખતા હતા. જ્યારે આ નગરમાંથી હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણી લડવાનો અવસર મળ્યો હોય, એ જ નગરમાંથી ચૂંટણી લડવા માટે મને પાર્ટીએ તક આપી તેના માટે હું પાર્ટીનો આભાર માનું છું.
દિલ્હીથી આવ્યા બાદ ચૂંટણી પ્રચાર કરીશઃ રુપાલા
પુરુષોત્તમ રૂપાલાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટએ ભારતીય જનતા પાર્ટીનો એવો કિલ્લો છે. તેમજ કાર્યકર્તાઓની એવી ટીમ છે કે જેના થકી સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કરી શકે છે. અહીં ખૂબ કશાયેલા અને અનુભવી કાર્યકર્તાઓની ફોજ છે. જેના કારણે મારા માટે આ સૌભાગ્ય અને ગૌરવનો વિષય છે. જ્યારે હું નગરપાલિકાથી લઈને ધારાસભાની ચૂંટણીમાં પાર્ટીના કામ માટે રાજકોટ આવતો રહ્યો છું. તેમજ આ વખતે ચૂંટણીના ઉમેદવાર તરીકે મારા માટે એક નવો જ વિષય છે અન્યથા તો રાજકોટ મારું ઘર પણ ગણી શકાય. હવે ઉમેદવાર તરીકે હવે મારે અહીંથી ચૂંટણી લડવાની છે અગાઉ મારે અહીંના ઉમેદવારોના પ્રચાર માટે આવવાનું થતું હતું.
રાજકોટ સાથે મારા માટે ભારતીય જનતા પાર્ટીના પાઠ ભણવાનું કેન્દ્ર છે. અમરેલીના એક નાનકડા ગામમાંથી રાજકોટ આવીને અમે તત્કાલીન આગેવાનો પાસેથી પાર્ટીનું કામ શીખતા અને પાર્ટીનું કામ કરતા તેથી રાજકોટ સાથે મારે બહુ ગાઢ સંબંધ છે. મને પાર્ટીએ રાજકોટ લોકસભા બેઠકનો ઉમેદવાર બનાવ્યો તે બદલ હું પાર્ટીનો ખૂબ ખૂબ આભારી છું....પરસોત્તમ રુપાલા(રાજકોટ લોકસભા બેઠક ઉમેદવાર, ભાજપ)