ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા બેઠક યોજાઈ છે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો અંગે સમીક્ષા કરવામાં આવશે. લોકસભા ચૂંટણીમાં કેટલાક ભાજપના નેતાઓએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોવાની ચર્ચા ઉઠી હતી. અનેક સીટો પર ઉમેદવાર બદલવાની માંગણી પર સ્થાનિક ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી.
પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદઃ લોકસભા ઉમેદવારો દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવામાં આવી હોવાની ફરિયાદો છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિની ફરિયાદી કમલમ સુધી પહોંચી હતી. પક્ષમાં રહેલો અસંતોષ ઠારવા માટે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ સમગ્ર ચૂંટણી દરમિયાન દોડતા રહ્યા હતા. બેઠકમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓ અંગે ચર્ચા કરવામાં આવશે.
ભાજપનો લક્ષ્યાંકઃ ભાજપ દ્વારા ગુજરાતની દરેક 26 સીટ ઉપર પાંચ લાખની લીડનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. 2022 ની વિધાનસભા ચૂંટણીના પરિણામો આધારે આ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ આ લક્ષ્યાંક સિદ્ધ થયો નથી. માત્ર ચારેક બેઠક બાદ કરતાં તમામ સીટો પર લીડ પાંચ લાખથી ઓછી રહી છે. પાંચ લાખ લીડની વાત તો દૂર રહી પરંતુ નબળા ઉમેદવારને કારણે બનાસકાંઠા બેઠક પણ ભાજપે ગુમાવવાનો વારો આવ્યો છે. પાટણ બેઠક જીતવામાં પણ ભાજપને નવ નેજા પાણી ઉતરી ગયા છે. ચંદનજી ઠાકોર 16 રાઉન્ડ સુધી આગળ હતા. રાજ્યમાં મજબૂત થયેલી કોંગ્રેસની નેતાગીરી અંગે પણ ચર્ચા થશે. ગુજરાતમાં કોંગ્રેસની મતની ટકાવારી પણ વધી છે. કોંગ્રેસના વધેલા જનાધાર અંગે પણ બેઠકમાં ચર્ચા કરાશે.
ક્ષત્રિય આંદોલનઃ ગાંધીનગરમાં ભાજપ સાંસદોની બેઠકમાં ક્ષત્રિય આંદોલનની ચૂંટણી પર અસર અંગે પણ વાતચીત કરવામાં આવશે. કારણ કે આગામી દિવસોમાં યોજાનારી પાલિકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ક્ષત્રિય આંદોલનની અસર અંગે સમીક્ષા કરવામાં આવશે. જોકે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય સર્વાય સીટો પર ભારતીય જનતા પાર્ટીની લીડમાં વધારો થયો છે. તેથી ક્ષત્રિય આંદોલનની અસર સૌરાષ્ટ્રમાં ઓછી જોવા મળી છે.