ભરુચઃ ગુજરાતની ભરૂચ બેઠક સંદર્ભે INDIA ગઠબંધનને તકલીફ થઈ રહી છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.જ્યારે કૉંગ્રેસ તરફથી અહેમદ પટેલના પુત્રએ ભરૂચ બેઠક કૉંગ્રેસ પાસે આવવી જોઈએ તેવી માંગણી કરી છે. ભરુચ બેઠકને લઈને આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે કોકડું ગૂંચવાયું છે.
ભરુચ બેઠક કૉંગ્રેસ માટે મહત્વનીઃ એક તરફ લોકસભાની ચૂંટણી સંદર્ભે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. INDIA ગઠબંધનમાં ગુજરાત રાજ્યમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ભરૂચ બેઠક પર કૉંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીએ ભરુચ બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની જાહેરાત કરી દીધી છે. જે સંદર્ભે કૉંગ્રેસના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે કૉંગ્રેસના વરિષ્ઠ અને સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ પટેલે નિવેદન આપ્યું છે. ફૈઝલે ભરુચ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો આગ્રહ રાખ્યો છે. જો કૉંગ્રેસને ભરુચ બેઠક નહિ મળે તો INDIA ગઠબંધનને સમર્થન ન આપવાનો પણ ફૈઝલે જાહેરાત કરી છે.
INDIA ગઠબંધન આપણા દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કૉંગ્રેસને ઉમેદવારી મળશે તો ઈન્ડિયા બ્લોકને જ તેનો ફાયદો થશે. કૉંગ્રેસ માટે ભરૂચ જિલ્લામાં જીત મેળવવી ખૂબ જ સરળ રહેશે. AAPની તાકાત માત્ર 1 વિધાનસભા બેઠક પૂરતી મર્યાદિત છે. 2022માં AAPનો ગ્રાફ નીચે આવ્યો છે. હું માનું છું કે ભરૂચ બેઠક કૉંગ્રેસને જવી જોઈએ. અન્યથા હું આ INDIA ગઠબંધનને સમર્થન નહીં આપું... ફૈઝલ પટેલ(અગ્રણી, કૉંગ્રેસ)