ભરુચઃ લોકસભા ચૂંટણીમાં મતદાનનો દિવસ નજીક આવતા જ ભરૂચ જિલ્લામાં રાજકીય પક્ષોનો પ્રચાર વેગીલો બન્યો છે. જેમાં રાષ્ટ્રીય નેતાઓ પણ હવે પ્રચાર માટે મેદાને ઉતરી રહ્યા છે. ભરૂચ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર અર્થે આમ આદમી પાર્ટી નેતા અને સાંસદ સંજયસિંહ અંકલેશ્વર આવી પહોંચ્યા હતા.
સંજયસિંહે પદયાત્રામાં ભાગ લીધોઃ ભરૂચ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના પ્રચાર અર્થે આપ સાંસદ સંજયસિંહે પદયાત્રામાં ભાગ લીધો હતો. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, પીરામણ નાકા સહિતના વિસ્તારોમાં પદયાત્રા યોજાઈ હતી. જેમાં સંજયસિંહ, ચૈતર વસાવા તેમજ કોંગ્રેસ અને આપના અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પદયાત્રા દરમિયાન સંજયસિંહે વેપારીઓ અને દુકાનદારો સાથે પણ મુલાકાત કરીને તેમની સમસ્યા જાણી હતી.
સુરત મુદ્દે ભાજપ પર વાકપ્રહારઃ સંજયસિંહે ભાજપ સરકાર પર આકરા વાકપ્રહાર કર્યા હતા. તેમણે સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ થવા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચૈતર વસાવાને ટિકિટ આપવા મુદ્દે કોંગ્રેસના એક જૂથમાં રહેલ નારાજગી દૂર થઈ હોવાની માહિતી સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને આપવામાં આવી હતી. જોકે આજે કાર્યક્રમમાં કેટલાક કોંગ્રેસીઓએ ગેરહાજર રહી ચૈતર વસાવાની સાથે ન હોવાનો સંકેત આપ્યો હતો.
2 જેલનો જવાબ વોટથીઃ ભાજપ પર વાકપ્રહાર કરતા સંજયસિંહે જણાવ્યું હતું કે,ચૈતર વસાવા આદિવાસી સમાજના મજબુત નેતા છે. ઝારખંડના આદિવાસી નેતા હેમંત સોરેનને ભાજપે જેલમાં નાખી દીધા. અરવિંદ કેજરીવાલની અટકાયતથી ભારતીયો હેરાન છે. ભાજપના રાજકોટ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ગુજરાત ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. પ્રધાનમંત્રીએ ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ તે બદલ માફી માંગવી જોઈએ. અમે દિલ્હી-પંજાબમાં કરેલ કામો પર ચૂંટણી લડીએ છીએ. 'સુરત તો ઝાંખી હૈ પૂરા ભારત બાકી હૈ', સુરતમાં ઉમેદવારની બિનહરીફ થયેલ જીત મેં કયારેય આવી જીત નથી જોઈ. ભાજપ લોકશાહીને ખતમ કરવા માંગે છે. તમારે 2 જેલનો જવાબ વોટથી આપવાનો છે. એક ચૈતર વસાવાના અને બીજો અરવિંદ કેજરીવાલનો.